યુક્રેને ડ્રોનથી ક્રેમલિન પર હુમલો કરીને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો રશિયાએ બુધવારે આક્ષેપ કર્યો હતો. ક્રેમલિને જણાવ્યું હતું કે ક્રેમિલન બિલ્ડિંગમાં પુતિનના નિવાસ્થાન પર કથિત હુમલામાં બે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો, પરંતુ હુમલાને ઇલેક્ટ્રોનિક ડિફેન્સથી નિષ્ફળ બનાવાયો હતો. પુતિનને કોઇ ઈજા થઈ ન હતી અને ક્રેમલિન ઈમારતને પણ કોઈ નુકસાન થયું ન હતું.
આ હુમલાને “સુનિયોજિત આતંકવાદી કૃત્ય અને રશિયન પ્રેસિડન્ટની હત્યાનો પ્રયાસ ગણાવતા રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “ગઈ રાત્રે, કિવની સરકારે ક્રેમલિન ખાતે રશિયન ફેડરેશનના પ્રમુખના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો હતો. અમે આ કૃત્યને પૂર્વયોજિત આતંકવાદી હુમલો અને પ્રેસિડન્ટની હત્યાના પ્રયાસ માનીએ છીએ.જોકે યુક્રેનના પ્રેસિડન્ટના પ્રવક્તાએ જણાવ્યુ હતું કે ક્રેમલિન પરના ડ્રોન હુમલાને યુક્રેન સાથે કોઇ લેવાદેવા નથી. યુક્રેન ક્રેમલિન પર હુમલો કરતું નથી, કારણ કે તે કોઈપણ લશ્કરી ઉદ્દેશ્યોને હલ કરતું નથી. રશિયા દ્વારા વહેતા કરાયેલા આવા અહેવાલો યુક્રેન પર મોટા પાયે આતંકવાદી હુમલા માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરવાનો પ્રયાસ છે.