યુક્રેન પર આક્રમણને પગલે અમેરિકાની આગેવાની હેઠળ પશ્ચિમ દેશોએ રશિયા પર શ્રેણીબદ્ધ પ્રતિબંધ મૂક્યા હોવા છતાં રશિયા ઓક્ટોબર 2022માં ભારત માટે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાય બન્યો હતો. ભારતને ક્રૂડની નિકાસ કરવાના મામલામાં રશિયાએ ઈરાક અને સાઉદી અરેબિયાને બીજા અને ત્રીજા નંબરે ધકેલી દીધા હતી.
શિપિંગ ડેટાના આધારે સામે આવેલા માર્કેટ રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. ભારતમાં દરરોજ 5 મિલિયન પ્રતિ બેરલ તેલની આયાત કરવામાં આવે છે. આમાં રશિયાનો હિસ્સો ઓક્ટોબરમાં 22 ટકા રહ્યો છે, જ્યારે 2019માં તેનો હિસ્સો માત્ર 1 ટકા હતો. ચીન અને અમેરિકા પછી ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે.
ઘણા વર્ષોથી ભારત તેલની આયાતમાં પ્રથમ નંબર પર રહેનારું ઇરાક 20 ટકા પર આવી ગયું છે, જયારે પોતાની જરૂરિયાતનું 16 ટકા તેલ ભારત સાઉદી અરેબિયાથી આયાત કરી રહ્યું છે. રશિયા પાસેથી ભારતની તેલની ખરીદીમાં આ વર્ષે ફેબ્રુઆરીથી વધારો થયો છે. ફેબ્રુઆરીમાં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ 139 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું ભારત માટે ફાયદાકારક સોદો સાબિત થયો છે.