રશિયા અને યુક્રેન વચ્ચેનું આઠ મહિનાથી ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. યુક્રેન અને રશિયાને જોડતાં એક માત્ર બ્રિજ પર યુક્રેન દ્વારા કરાયેલા વિસ્ફોટથી રોષે ભરાયેલ રશિયાએ સોમવાર (10 ઓકટોબરે યુક્રેનના 12 શહેરો પર ચોમેરથી હવાઈ હુમલાં શરૂ કર્યાં હતા. યુક્રેનની રાજધાની કિવમાં જાહેર સ્થળો પર કરાયેલા હુમલામાં આશરે 11 જણાના મોત નિપજ્યાં હતા. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આ હુમલાને યુક્રેનના આતંકી પગલાંના વળતાં જવાબ તરીકે કરાયેલી કાર્યવાહી ગણાવી હતી. યુક્રેનની ઇમર્જન્સી સર્વિસે જણાવ્યું હતું યુદ્ધના પ્રારંભિક દિવસો પછીના આ સૌથી મોટા હુમલામાં 64 લોકો ઘાયલ થયા હતા.
રશિયન દળોએ રાજધાની કીવ સહિત 12 શહેરો પર 84 મિસાઈલ છોડી હતી. રશિયાએ યુક્રેનના ઘણા પુલ પણ ઉડાવી દીધા હતા. કિવમાં અનેક સરકારી ઈમારતો પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. જેના કારણે શેરીઓમાં નાસભાગ મચી ગઈ હતી. યુક્રેનના રક્ષા મંત્રાલયે પણ ટ્વિટ કરીને જણાવ્યું કે રશિયાએ યુક્રેન પર 75 મિસાઈલ હુમલા કર્યાં હતો જેમાં 41 મિસાઈલને તોડી પડાઈ હતી.
યુક્રેનના પ્રેસિડન્ટ વ્લોદિમીર ઝેલેન્સકીએ હુમલાની પુષ્ટિ આપતાં જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘણા લોકોના મોત થયા હતા. પુતિને રશિયા સામેના કોઈ પણ આક્રમણનો, ઉગ્ર અને કઠોર જવાબ આપવાનો નિર્ધાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે અમારી સુરક્ષાને જોખમમાં મુકનારા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છીએ અને તે અંગે કોઈને સંદેહમાં રહેવાની જરૂર નથી.