રશિયાના આક્રમણના આશરે સાત સપ્તાહ પછી યુક્રેનને કાળા સમુદ્રમાં રશિયાના એક યુદ્ધજહાજ પર મિસાઇલ હુમલો કરીને તેને ડુબાડી દીધું હોવાનો ગુરુવારે દાવો કર્યો હતો. આ યુદ્ધજહાજમાં 500 સૈનિકો અને 16 મિસાઇલ હોવાની ધારણા છે. જોકે મોસ્કોએ આ દાવાને ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે જહાજને માત્ર થોડું નુકસાન થયું છે.
આ જહાજની જળસમાધી રશિયાની મોટી લશ્કરી અને પ્રતિકાત્મક પીછેહટ છે, કારણ કે રશિયાના લશ્કરી દળો પૂર્વ યુક્રેન પર નવેસરથી હુમલો કરવા માટે ફરી એકઠા થઈ રહ્યાં છે. રશિયાએ અગાઉ રાજધાની કીવ સહિતના ઉત્તર યુક્રેનના મોટાભાગના વિસ્તારોમાંથી પીછેહટ કરી હતી.
રશિયાએ જણાવ્યું હતું કે મોસ્કવા નામના યુદ્ધજહાજમાં આગ લાગી હતી તેનાથી ક્રૂ સભ્યોએ તેને ખાલી કરવું પડ્યું હતું. આગને કાબૂમાં લેવામાં આવી છે અને જહાજને પોર્ટ પર લાવવામાં આવશે. તેના ગાઇડેડ મિસાઇલ લોન્ચર અકબંધ છે.
મિલિટરી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ જહાજમાં 16 મિસાઈલ હોઇઇ શકે છે. આ જહાજ ડુબી ગયું હશે તો કાળા સમુદ્રમાંથી રશિયાની હુમલો કરવાની તાકાતમાં મોટો ઘટાડો થશે.
જોકે પરસ્પર વિરોધી દાવાને પુષ્ટી થઈ શકી નથી. કાળા સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે સેટેલાઇટ ફોટોથી પણ આ જહાજને સ્થિતિને જાણકારી મેળવવાનું મુશ્કેલ બન્યું હતું.
નવેસરથી લશ્કરી સહાય માટે ઝેલેન્સ્કીએ અમેરિકાનો આભાર માન્યો
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ 80 કરોડ ડોલરની નવેસરની લશ્કરી સહાય માટે અમેરિકાનો આભાર માન્યો છે. વીડિયો મારફત પોતાના દૈનિક રાષ્ટ્રસંબોધનમાં ઝેલેન્સ્કીએ પોલેન્ડ, ઇસ્ટોનિયા, લિથુઆનિયા અને લાટવિયાના રાષ્ટ્રપ્રમુખોનો પણ તેમની બુધવારની મુલાકાત બદલ આભાર માન્યો હતો. આ નેતાઓ યુદ્ધના પ્રથમ દિવસથી મદદ કરી રહ્યાં છે અને શસ્ત્રો આપવામાં પણ ખચકાટ રાખ્યો નથી.