રશિયા-યુક્રેન યુદ્ધ ઘણું લાંબું ખેંચાયું છે ત્યારે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને સોમવારે પૂર્વ યુક્રેનના લુહાન્સ્ક પ્રાંતમાં વિજયની જાહેરાત કરી છે. યુક્રેનના દળોએ આ વિસ્તારમાંથી સંપૂર્ણપણે લશ્કર પાછું ખેંચી લીધાના એક દિવસ પછી પુતિને આ જાહેરાત કરી હતી.
રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઇ શોઇગુએ સોમવારે પુતિનને જણાવ્યું હતું કે, “રશિયાના લશ્કરે લુહાન્સ્ક પર કબજો મેળવી લીધો છે.” યુક્રેનના ડોનબાસમાં લુહાન્સ્ક અને પાડોશી ડોનેત્સ્ક પ્રાંતનો સંયુક્ત સમાવેશ થાય છે. ડોનબાસ યુક્રેનનું ઘણું મહત્વનું ઔદ્યોગિક મથક છે. શોઇગુએ પુતિનને જણાવ્યું હતું કે, “રશિયાના લશ્કરે લિસીચેન્સ્ક શહેરમાં ચાલતું મિશન ‘ધ ઓપરેશન’ રવિવારે પૂરું કર્યું હતું.” પુતિને જણાવ્યું હતું કે, “આ મિશનમાં ભાગ લેનારા લશ્કરી દળોએ આરામ કરવો જોઇએ અને તેમની લડાયક ક્ષમતા વધારવા પર કામ કરવું જોઇએ.”
ક્રેનના જનરલ સ્ટાફે જણાવ્યું હતું કે, “રશિયાનું લશ્કર હવે ડોનેત્સ્ક પ્રાંતમાં સિવેર્સ્ક, ફેડોરિવ્કા અને બખ્મુત તરફ આગળ વધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.” રશિયાના લશ્કરે ડોનેત્સ્કમાં યુક્રેનનો અંકુશ ધરાવતા સ્લોવિઆન્સ્ક અને ક્રેમેટોર્સ્ક પર તોપમારો વધારી દીધો છે.”