બ્રિટિશ લેખક સલમાન રશ્દીએ ગત વર્ષના છૂરી હુમલા બાદ તેમની નવી નોવેલ ‘વિક્ટરી સિટી’ રીલીઝ કરતા પૂર્વે એક મુલાકાતમાં પોતાનો પ્રથમ ફોટો આપતા પ્રશ્ન કર્યો હતો કે – ‘હું કેવો લાગું છું?’ તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે તેમના ઉપર થયેલા છૂરી હુમલાથી તેઓ ડરી ગયા હતા તથા લખવાનું પણ મુશ્કેલ બન્યું હતું. પારિવારિક જગત સામે બળવો કરી શહેર ઉપર રાજ કરતી 14મી સદીની મહિલાની વાત કરતી ‘વિક્ટરી સિટી’ નોવેલ અમેરિકામાં પ્રાપ્ય બની છે અને બ્રિટનમાં બે દિવસમાં રીલીઝ થવાનું નિર્ધારીત છે.
ન્યૂ યોર્કમાં ગત વર્ષે થયેલા છૂરી હુમલાના એક વર્ષ બાદ ન્યૂ યોર્કના મેગેઝિનને મુલાકાતમાં 75 વર્ષના લેખકે જણાવ્યું હતું કે, તેમના માટે એકાગ્ર ચિત્તે બેસી લખવાનું મુશ્કેલ બન્યું છે. તેઓ જાણે કે હજુ પણ જંગલમાંથી બહાર આવી શક્યા નથી. 1947માં મુંબઇમાં જન્મેલા રશ્દીએ પત્રકાર ડેવિડ રેમિકને જણાવ્યું હતું કે, મોટા ઘા તો કદાચ રુઝાઇ જઇ શકે પરંતુ આંગળીઓમાં લાગણીની અનુભૂતિના અભાવે તેઓ બરાબર ટાઇપ કરી શકતા નથી.
1975માં પહેલી નોવેલ ‘ગ્રીમસ’ લખનાર રશ્દીની ‘મીડનાઇટ્સ ચિલ્ડ્રન’ ને વિશ્વભરમાં ખ્યાતિ મળી અને તેમને બુકર પ્રાઇઝ મળ્યું હતું. રશ્દીની 15મી નોવેલ ‘વિક્ટરી સીટી’ મૂળે સંસ્કૃતમાં લખાયેલી 14મી સદીની અનાથ ‘પમ્પા કંપન’ની વાર્તા છે જે આગળ જતાં બિસંગા શહેર ઉપર રાજ કરતી દેવી છે. ‘શબ્દો જ વિજેતા છે’ તેવા લખાણ સાથે નોવેલ સમાપ્ત થાય છે.