ફોરેક્સ માર્કેટમાં ડોલરની સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. ડોલર સામે રૂપિયો સૌથી ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો. ડોલર સામે રૂપિયો 85.26થી ઘટીને 85.53 બંધ થયો છે. અગાઉ ડોલર સામે રૂપિયો 85.81ની નવી નીચી સપાટીને સ્પર્શી રેકોર્ડ 85.50ના તળિયે બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં અમેરિકન ચલણ સામે રૂપિયો 54 પૈસા તૂટ્યો હતો, જે છેલ્લા બે દિવસનો એક દિવસીય સૌથી મોટો કડાકો હતો. 2024માં ડોલર 3 ટકા ઘટ્યો હતો અને તે પણ છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. વધુમાં ડોલર સામે રૂપિયો સતત સાત વર્ષથી વાર્ષિક ધોરણે ઘટી રહ્યો છે.
ડોલર સામે રૂપિયામાં 22 માર્ચ 2024ના રોજ એક દિવસીય 48 પૈસાનો ઘટાડો નોંધાયો હતો, જે સૌથી મોટો હતો, પરંતુ શુક્રવારે ઇન્ટ્રા-ડેમાં 54 પૈસા તૂટતાં તે 2 ફેબ્રુઆરી 2023એ જોવાયેલા 68 પૈસા પછીનો સૌથી મોટો નોંધાયો હતો. જોકે છેલ્લે આગલા દિવસની સામે 23 પૈસા ઘટી 85.50 બંધ હતો. રૂપિયા પર દબાણ આવવાનું કારણ મહિનાના અંત અને ત્રિમાસિક ગાળાનો છેલ્લો દિવસ આવતો હોવાથી આયાતકારોની ડોલરની માગમાં થયેલી વૃદ્ધિ હતું. વધુમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ત્રિમાસિક કોન્ટ્રાક્ટના કમિટમેન્ટ પૂરા કરવાના હોવાથી તેને કારણે પણ ડોલરની માગ વધી હતી.