અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને ભૂરરાજકીય અનિશ્ચિતતાને પગલે એશિયન કરન્સીની સાથે સાથે ભારતીય કરન્સી પણ ડોલર સામે સતત નબળી રહી છે. રૂપિયો બુધવાર (29 જૂને)એ ડોલર સામે 79ની અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ સરક્યો હતો અને 2022ના પ્રારંભથી અત્યાર સુધીમાં 6 ટકાનું ધોવાણ થયું છે. ભારતીય ચલણનું મૂલ્ય બુધવારે 79.3 ડોલર રહ્યું હતું. જે આગલા દિવસની સામે 18 પૈસા નરમ હતું. ક્રૂડના ભાવ મજબૂત રહેતાં અને મહિનાના અંતને કારણે ઓઇલ પીએસયુ કંપનીઓની ડોલરની માગ વધતા તેની નકારાત્મક અસર થઈ હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની પણ મર્યાદીત દરમિયાનગીરી રહેતાં છેલ્લા બે દિવસથી રૂપિયો સતત નબળો રહ્યો હતો.
છેલ્લા બે દિવસમાં રૂપિયો 65 પૈસા જેવો ઘટ્યો હતો. જુન મહિનામાં રૂપિયામાં બે ટકાનું તો 2022માં છ ટકાનો ઘટાડો થયો છે. ડોલર ઇન્ડેક્સ છેલ્લા છેલ્લાં એક સપ્તાહથી 104-105ની રેન્જમાં અથડાઈ ગયો હોવાથી અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વધુ એક વખત વ્યાજદરમાં વધારો કરવાની પ્રબળ સંભાવનાઓએ એશિયન અને ઇમર્જીંગ માર્કેટની કરન્સી પર દબાણ વધાર્યું હતું.