
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શનિવાર, 11 સપ્ટેમ્બરે રાજભવન જઇને અચાનક રાજીનામું આપ્યું હતું. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સુપરત કરેલા રાજીનામા પત્ર રૂપાણીએ રાજ્યની જનતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો. તેમણે પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે રાજીનામાના પત્રમાં કહ્યું છે કે હું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરૂં છું કે મારા જેવા એક પાર્ટી કાર્યકર્તાને ગુજરાતના મુખ્યપ્રધાન પદની મહત્વપૂર્ણ જવાબદારી સોપી. મુખ્યપ્રધાન રૂપમાં મળેલા આ દાયિત્વને નિભાવતા મારા કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે.વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર વિકાસ તથા સર્વજન કલ્યાણના પથ પર આગળ વધતા નવા આયામો પર પહોચ્યુ છે. ગુજરાતના વિકાસની યાત્રામાં ગત પાંચ વર્ષમાં મને પણ યોગદાન કરવાની જે તક મળી, તેની માટે વડાપ્રધાનનો આભાર પ્રગટ કરૂં છુ.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંપ્રધાનના રૂપમાં મળેલા દાયિત્વનું નિર્વહન કર્યા બાદ હવે મે મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપીને પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે મને પાર્ટી દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવશે તેનું હું સંપૂર્ણ દાયિત્વ અને નવી ઉર્જા સાથે વડાપ્રધાનના નેતૃત્વ અને માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શનમાં કામ કરીશ.
તેમની સરકારે કરેલા કામનો ઉલ્લેખ કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાના કઠિન સમયમાં અમારી સરકારે દિવસ-રાત અથાગ મહેનત કરી ગુજરાતની જનતાને સંભવ સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ રસીકરણના કામમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યુ છે અને અમે તેમાં ઘણા નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે, જેનો મને ઘણો સંતોષ છે.
