ભારતના 75માં સ્વતંત્રતા દિનની રાજયકક્ષાની ઉજવણી જૂનાગઢના બિલખા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન રૂપાણીએ સવારે 9 વાગ્યે ધ્વજવંદન કરીને લોકોને શુભકામના આપી હતી. આ પ્રસંગે હવાઇદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ ઉજવણીમાં રાજ્યના મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યના નાગરિકોને સંબોધતા મુખ્યપ્રધાન રુપાણીએ લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને રાજ્યમાં પાંચ લાખ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરાની સુવિધાની પણ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું.
પોલીસ ખાતામાં બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરા
દેશના સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે મુખ્યપ્રધાન રુપાણીના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ કર્યું હતું.