ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં વેક્સીન આપવા માટે ડેટાબેઝનું કામ પૂર્ણ કરી દેવાયું છે. ગુજરાતમાં ચાર લાખ હેલ્થકેર વર્કર્સ તેમજ 6 લાખથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ કુલ 11 લાખ જેટલા કર્મચારીઓને કોરોના વેક્સીનમાં પ્રાથમિકતા મળશે.
વેક્સિનની તૈયારીની માહિતી આપતા રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેઈનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વેક્સિનને સ્ટોર કરવા માટે રાજ્યમાં 6 રિજિયનલ ડેપો તૈયાર કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણ રસીકરણની વ્યવસ્થામાં જે સાધનોનો ઉપયોગ કરાશે તેનું ઓડિટિંગ પણ પૂરું થઈ ગયું છે. કેન્દ્ર સરકાર તરફથી પણ રાજ્યને વધારાના સાધનો મળી ગયા છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે વેક્સિન અપાયા બાદ લોકોને નિરિક્ષણ હેઠળ રખાશે. આ દરમિયાન તેમને કોઈ સમસ્યા થશે તો તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે. તેના માટે વેક્સિન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વેઇટિંગ રુમ, વેક્સિન રુમ અને ઓબ્ઝર્વેશન રુમ સામેલ છે.
તેમણે જણાવ્યું હતું કે કોરોના વેક્સિનેશન માટે સર્વેનું કામ પણ પૂરી થઈ છે. રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી એમ 6 સ્થાનો પર વેક્સિન ટ્રાય રન સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. આ દરમિયાન 16,000 હેલ્થકેર વર્કર્સને વેક્સિનેટર તરીકે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે, જેઓ વેક્સિન લગાડવાનું કામ કરશે.