ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય પર દેખાવો કરે તે પહેલા ગુજરાત કરણી સેનાના નેતા રાજ શેખાવતની 9 એપ્રિલે અમદાવાદ એરપોર્ટની બહારથી પોલીસે અટકાયત કરી હતી. પોલીસે તેમની અટકાયત કરી કરણી સેનાના કેટલાક કાર્યકરો પણ એરપોર્ટ પર હાજર હતાં.
રાજપૂતો વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી માટે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા સામેના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા રાજપૂત નેતા ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલયનો ઘેરાવો કરવા માગતા હતાં.
ક્ષત્રિય અથવા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શેખાવતે રવિવારે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાનીની ટિપ્પણીના વિરોધમાં રાજ્ય ભાજપ મુખ્યાલય ‘કમલમ’નો ઘેરાવો કરવાનું એલાન આપ્યું હતું. રાજપૂતો રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે તેવી માગણી કરી રહ્યાં છે.
મદદનીશ પોલીસ કમિશનર (જી ડિવિઝન) વી.એન. યાદવે જણાવ્યું હતું કે “અમે રાજ શેખાવતની એરપોર્ટ પરથી અટકાયત કરી છે.” 22 માર્ચના રોજ રાજકોટમાં એક સભાને સંબોધતા કેન્દ્રીય પ્રધાન રૂપાલાએ ટિપ્પણી કરી હતી કે ‘મહારાજાઓ’ વિદેશી શાસકો તેમજ અંગ્રેજોના જુલમને આગળ ઝુકી ગયા હતા અને રોટી-બેટીનો વ્યવહાર ચાલુ કર્યો હતો. રાજપૂત સમુદાયના સભ્યોએ આ ટિપ્પણીને તેમના સમાજ માટે અપમાનજનક ગણી હતી અને તેનો વિરોધ કરી રહ્યાં છે. રાજપૂતો જણાવી રહ્યાં છે કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચે અથવા હારનો સામનો કરે. રૂપાલાની ટીપ્પણી સામે રાજપૂતોના આક્રોશ વચ્ચે શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. રૂપાલાએ તેમની ટિપ્પણી માટે માફી માંગી હોવા છતાં રાજપૂત સમુદાયના સભ્યોએ રાજ્યના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે.
ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા રાજપૂતોના રોષથી ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ છે.