(ANI Photo)
ઘણા વર્ષોથી સાથે જોવા મળતા બોની કપૂરના પુત્ર અને અભિનેતા અર્જુન કપૂર તેમ જ ફિટનેસ આઇકોન તરીકે જાણીતી મલાઇકા અરોરા વચ્ચે બ્રેકઅપના સમાચાર અવારનવાર આવતા રહે છે. હવે ફરીથી તેમના છૂટા પડવાની અફવાઓ સાંભળવા મળે છે.
મલાઇકા-અર્જુન 2018થી એકબીજા સાથે ગાઢ સંપર્કમાં હતાં અને સોશિયલ મીડિયા પર પણ તેઓ હંમેશા પોતાના સંબંધ વિશે પારદર્શક રહ્યાં હતાં. તેમની રિલેશનશીપ યુવાનોમાં ખૂબ જાણીતી હતી. મલાઇકા અને અર્જુને પરસ્પર સમજૂતી કરીને અલગ થઇ ગયા હોવાના સમાચાર ખૂબ ઝડપથી વાઈરલ થયા હતા. તે બંને પોતાના સંબંધો અંગે જાહેરમાં વાત કરવાનું ટાળે છે.
જોકે, બ્રેકઅપની અફવાએ વેગ પકડતાં મલાઈકાની ટીમે ખુલાસો કર્યો હતો. મલાઈકાના મેનેજરે બ્રેકઅપના સમચારને માત્ર અફવા ગણાવ્યા હતા. તેમણે મલાઈકા અને અર્જુન વચ્ચેના સંબંધો હજુ યથાવત હોવાનો દાવો કર્યો હતો. અગાઉ રીપોર્ટ્સમાં કહેવાયું હતું કે, “અર્જુન અને મલાઇકાનો સંબંધ બહુ અલગ અને વિશેષ હતો, ભવિષ્યમાં પણ બંનેના મનમાં એકબીજા માટે સન્માન રહેશે. બંનેએ અલગ થવાનું નક્કી કર્યું છે પરંતુ આ બાબતે બંને યોગ્ય મૌન જાળવવાનું પસંદ કરે છે. તેઓ નથી ઇચ્છતા કે કોઈપણ તેમના આ સંબંધમાં વિવાદ ઊભો કરે.”
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, “તેમનો સંબંધ લાંબો, પ્રેમાળ પરંતુ કમનસીબે હવે તેનો અંત થઈ રહ્યો છે. તેનો એવો મતલબ નથી કે તેમની વચ્ચે કોઈ કડવાશ છે. તે બંને એકબીજાનું સન્માન કરે છે અને એકબીજા માટે મજબૂત આધારસ્તંભ રહ્યાં છે. તેઓ અલગ થયાં પછી પણ એકબીજા માટે આ સન્માન જાળવી રાખશે. તેઓ બંને ઘણા લાંબા સમય સુધી એક ઊંડા અને અંગત સંબંધમાં બંધાયેલાં હતાં, તેથી તેઓ બંને ઇચ્છે છે કે લોકો તેમને આ ભાવુક સમયમાંથી બહાર આવવાનો સમય આપે.”
મલાઇકા અને અર્જુને પોતાનો સંબંધ જાહેર કર્યો તેના ઘણા વખત પહેલાંથી તેઓ બંને વચ્ચે સંબંધની અફવાઓ ચાલતી હતી. મલાઇકાના 45મા જન્મદિવસે 2019માં તેમણે પોતાના સંબંધને જાહેર કર્યો હતો. મલાઇકાએ અગાઉ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, તેમને એક પુત્ર અરહાન પણ છે, જે મલાઈકા સાથે રહે છે. મલાઈકા અને અર્જુન વચ્ચે બ્રેકઅપની અટકળો અગાઉ પણ વહેતી થઈ હતી. જોકે તે સમયે તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. હવે વધુ એક વખત બ્રેકઅપની અફવાઓ ચાલે છે ત્યારે તેમણે ખુલાસો કર્યો છે. મલાઈકા તરફથી પ્રથમવાર ખુલાસો થયો હોવાના કારણે પણ આશ્ચર્ય ફેલાયું છે.

LEAVE A REPLY