સર્બિયાનો ટોપ સીડેડ યોકોવિચ ઓસ્ટ્રેલિયાના અનસીડેડ હરીફ કિર્ગીઓસને વિમ્બલ્ડનની ફાઈનલમાં ૪-૬, ૬-૩, ૬-૪, ૭-૬ (૭-૩)થી હરાવી રવિવારે મેન્સ સિંગલ્સ ચેમ્પિયન બન્યો હતો. તો મહિલા સિંગલ્સમાં કઝાખસ્તાનની એલેના રીબાકિનાએ ચેમ્પિયનનું ટાઈટલ હાંસલ કર્યું હતું.
યોકોવિચનું સળંગ ચોથું અને એકંદરે સાતમું વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. તેની કારકિર્દીનો આ ૨૧મો ગ્રાન્ડ સ્લેમ તાજ છે. હવે તે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના રેકોર્ડમાં નડાલ (૨૨ ટાઈટલ) પછી બીજા ક્રમે છે. ૨૦ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ ધરાવતો સ્વિસ સ્ટાર ફેડરર ત્રીજા ક્રમે ધકેલાયો છે.
યોકોવિચે ૩ કલાક અને ૧ મિનિટના જંગ પછી આ સિઝનનો તેનો સૌપ્રથમ ગ્રાન્ડ સ્લેમ તાજ પ્રાપ્ત કર્યો હતો. અમેરિકાએ વેક્સિન ફરજીયાત કરી હોવાથી યોકોવિચ સિઝનની આખરી ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ગુમાવશે તેવું લાગી રહ્યું છે.
મહિલા સિંગલ્સઃ કઝાખસ્તાનની એલેના રીબાકિનાએ તેના દેશ અને પોતાના માટે સૌ પ્રથમ ગ્રાન્ડ સ્લેમ સામે ટાઇટલ હાંસલ કર્યું હતું. તેણે ફાઈનલમાં જાબેરને ૩-૬, ૬-૨, ૬-૨થી હરાવી હતી. રીબાકિના રશિયામાં જન્મેલી છે અને છેક ૨૦૧૮ સુધી રશિયા તરફથી જ રમતી હતી પણ તે વર્ષે જ તેણે કઝાખસ્તાનનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
પુરૂષોના ડબલ્સ મુકાબલામાં મેથ્યુ એબ્ડેન – મેક્સ પરસેલે તથા મહિલા ડબલ્સમાં બાર્બોરા ક્રેજીકોવા – કેટેરિના સીનીઆકોવા ચેમ્પિયન બન્યા હતા.