વિશ્વમાં અને ખાસ કરીને ચીનમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ભારતે પહેલી જાન્યુઆરીથી પાંચ દેશોના વિમાન મુસાફરો માટે નેગેટિવ કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ દેશોમાં ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે. મુસાફરોએ વિમાનમાં બેસતા પહેલા નેગેટિવ કોરોના ટેસ્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.
1 જાન્યુઆરી, 2023થી એરલાઇન્સને આ નિયમોનો સમાવેશ કરવા માટે તેમની ચેક-ઇન કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા પડશે અને એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કર્યું હોય તેવા જ મુસાફરોને જ બોર્ડિંગ પાસ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 30 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા મુસાફરો માટે સુધારેલી કોવિડ માર્ગદર્શિકા જારી કરી હતી. મુસાફરીના 72 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા 2 ટકા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટનો નિયમ પણ અમલી રહેશે.
વિશ્વના વિવિધ દેશોમાં અને ખાસ કરીને ચીનમાં કોરોના વાયરસ ચેપના વધતા જતા કેસો અને આ પાંચ દેશોમાં SARS-CoV-2ના ફેલાવા અંગેના અહેવાલો વચ્ચે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે તમામ એરલાઇન્સ, એરપોર્ટ ઓપરેટરો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને નવી માર્ગદર્શિકા સંબંધિત માહિતી આપી હતી.