ગુજરાત સરકારના શુક્રવારે રજુ થયેલા વર્ષ 2024-25ના બજેટમાં રાજ્યના વિશ્વ કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે બજેટમાં રૂ. 475 કરોડ કરતા વધુ રકમની જોગવાઈ કરવામાં આવી છે. બજેટની જોગવાઇઓ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂ. ૧૫૦ કરોડ, એકતા નગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે રૂ. ૩૦૦ કરોડ અને સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટરના પ્રોજેક્ટ માટે રૂ. ૨૫ કરોડની જોગવાઇઓ કરવામાં આવી છે. આ ઉપરાંત બજેટમાં એકતા નગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથે વીર બાળક ઉદ્યાન બનાવવાના આયોજનની પણ જાહેરાત કરવામાં આવી છે.