સરકારી પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડવાના કૌભાંડમાં ગુજરાત પોલીસે તાજેતરમાં કથિત વ્હિસલબ્લોઅર અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાની રૂ.1 કરોડની રકમ સ્વીકારવા બદલ 21 એપ્રિલે ધરપકડ કરી હતી. પોલીસે સોમવારે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા હતા. ભાવનગરના ડમીકાંડને પગલે તોડકાંડ પણ બહાર આવ્યું છે. યુવરાજસિંહ જાડેજા સહિતનાએ રૂ.1 કરોડની ખંડણી માંગ્યાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે આ મામલે યુવરાજસિંહની ધરપકડ કર્યા બાદ તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી યુવરાજસિંહ અનિરુદ્ધસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઇ યુવરાજસિંહ ગોહિલને તપાસ દરમિયાન સુરતથી લાવી પૂછપરછ કરાઈ હતી. જે દરમિયાન કબૂલાત આપી હતી કે, યુવરાજસિંહની તા.૫ એપ્રિલની કોન્ફરન્સમાં ડમી ઉમેદવારકાંડમાં પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. તથા પ્રદીપ બારૈયાનું નામ ન લેવા તેમની પાસેથી ઘનશ્યામ લાંધવા તથા બિપિન ત્રિવેદી મારફત એક કરોડની માગણી કરવામાં આવી હતી.