લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટી રાહત આપતા ટેક્સ ઓથોરિટીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ પૂર્ણ ન થાય ત્યાં ટેક્સ ઓથોરિટી કોંગ્રેસ પાસેથી રૂ.3,500 કરોડ ($420 મિલિયન)ના બાકી ટેક્સની વસૂલાત માટે કોઇ બળજબરીના પગલાં લેશે નહીં. સરકાર તરફથી આ રજૂઆત પછી સર્વોચ્ચ અદાલતે આ કેસની વધુ સુનાવણી 24 જુલાઈ સુધી મોકૂફ રાખી હતી.
19 એપ્રિલે લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થાય તે પહેલા કોંગ્રેસને આવકવેરા વિભાગે સંખ્યાબંધ ટેક્સ નોટિસ આપી હતી અને કુલ રૂ.3,567 કરોડના બાકી ટેક્સની ઉઘરાણી કરવામાં આવી હતી. અગાઉ ટેક્સ સત્તાવાળાઓએ પાછલા વર્ષોના લેણાં પેટે પક્ષના ખાતામાંથી ₹135 કરોડની રકમ ઉપાડી લીધી હતી.
આ નોટિસો પછી કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મુખ્ય વિરોધ પક્ષે સત્તાધારી ભાજપ પર “ટેક્સ ટેરરિઝમ”નો આક્ષેપ કર્યો હતો. પાર્ટીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં તમામ પક્ષોને બરાબરીની તક મળવી જોઇએ અને ચૂંટણીપંચે પણ આ મુદ્દે દરમિયાનગીરી કરવી જોઇએ.
જોકે ભારતીય જનતા પાર્ટીએ આવા આક્ષેપોને નકારી કાઢીને જણાવ્યું હતું કે ટેક્સ વિભાગ ફક્ત એવા નિયમોનું પાલન કરે છે, જે ટેક્સ કાયદાના ઉલ્લંઘનને નિયંત્રિત કરે છે. ભારતના સોલિસિટર-જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોઈ “જબરદસ્તીની કાર્યવાહી” શરૂ કરશે નહીં. લોકસભાની સાત તબક્કાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન દરમિયાન યોજાવાની છે અને 4 જૂને મતગણતરી થશે.
શું સરકાર ટેક્સ ડિમાન્ડને સ્થગિત કરી રહી છે તેવા કોર્ટના સવાલના જવાબમાં કેન્દ્રીય વતી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે “ના, અમે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે અમે ચૂંટણી સુધી કોઈ પગલાં લઈશું નહીં.”