ભારતની તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની માહિતી આપનારને રૂ.25 લાખનું ઇનામ આપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. 1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો દાઉદ ઈબ્રાહિમ મુખ્ય આરોપી છે. દાઉદ ઈબ્રાહિમને યુનાઈટેડ નેશન્સ તરફથી વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તેનું આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદીઓનું એક નેટવર્ક છે,
માત્ર દાઉદ ઈબ્રાહિમ જ નહીં, તેની ગેંગના અન્ય સભ્યો માટે પણ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. દાઉદ ઈબ્રાહિમના સાથી માનવામાં આવતા શકીલ શેખ માટે પણ 20 લાખ રુપિયા ઈનામની જાહેરાત કરવામાં આવી છે. શકીલ શેખને છોટા શકીલના નામથી ઓળખવામાં આવે છે. અનીસ ઈબ્રાહિમ શેખ જે હાજી અનીસ તરીકે ઓળખાય છે, જાવેદ પટેલ જે જાવેદ ચિકના તરીકે ઓળખાય છે અને ઈબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝ્ઝા મેમણ જે ટાઈગર મેમણ તરીકે ઓળખાય છે, એ તમામ માટે 15 લાખ રુપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
દાઉદની ગેંગમાં અનીસ ઈબ્રાહિમ શેખ, છોટા શકીલ, જાવેદ ચીકના અને ટાઈગર મેમન જેવા ગેંગસ્ટારો હોવાનું માનવામાં આવે છે. આ તમામ મોસ્ટ વોન્ટેડ નામો છે. દાઉદ ઈબ્રાહિમની ગેંગ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપે છે. નાર્કો ટેરરિઝમ, આર્મ્સ સ્મગલિંગ, અંડરવર્લ્ડ ક્રિમિનલ સિન્ડિકેટ, મની લોન્ડ્રિંગ વગેરે જેવા કામો સાથે આ લોકો સંકળાયેલા હોય છે.