(ANI Photo)

દિલ્હી હાઈકોર્ટે ટેક્સ નોટિસને પડકારતી કોંગ્રેસને અરજીને ફગાવી દીધાના એક દિવસ પછી ભારતના આવકવેરા વિભાગે આ મુખ્ય વિપક્ષને આશરે રૂ.1,700 કરોડની ટેક્સ નોટિસ ફટકારી હતી. નવી નોટિસ 2017-18થી 2020-21 સુધીના આકારણી વર્ષો માટે છે અને તેમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે.

આવકવેરા સત્તાવાળાઓની ₹200 કરોડની પેનલ્ટી અને તેના ભંડોળને સ્થગિત કર્યા પછી કોંગ્રેસ પહેલેથી જ ભંડોળની તંગીનો સામનો કરી રહી છે. પક્ષને આ કેસમાં હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી અને તેઓ સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતા છે. પાર્ટીએ ભાજપ પર 19 એપ્રિલથી શરૂ થનારી લોકસભાની ચૂંટણી પહેલા તેને આર્થિક રીતે દબાવવાનો અને તેની વિરુદ્ધ કર સત્તાવાળાઓનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “અમને આર્થિક રીતે પંગુ બનાવવા માટે નોટિસો મોકલવામાં આવી રહી છે. આ ટેક્સ ટેરરિઝમ છે અને તેનો ઉપયોગ કોંગ્રેસ પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે, આને રોકવું પડશે.”

ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે ટેક્સ સત્તાવાળાઓ ચાલુ કરેલી ચાર વર્ષના સમયગાળા માટેની પુન: આકારણીની કાર્યવાહીને પડકારતી કોંગ્રેસની અરજીઓને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે અગાઉના આ સમયગાળા માટે રિએસેટમેન્ટની કાર્યવાહીમાં દખલગીરી કરવાનો ઇનકાર કર્યો હતો.

અગાઉ કોંગ્રેસ આકારણી વર્ષ 2014-15થી 2016-17 સુધીની પુન: આકારણી કાર્યવાહીની પડકારી હતી, જેને પણ કોર્ટે ગયા સપ્તાહે ફગાવી દીધી હતી. 22 માર્ચે કોંગ્રેસની અરજીઓને ફગાવી દેતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે ટેક્સ ઓથોરિટી પાસે પ્રાથમિક દ્રષ્ટિએ વધુ તપાસ અને ચકાસણીની જરૂરિયાત દર્શાવતા “નોંધપાત્ર અને નક્કર” પુરાવા છે. જોકે કોર્ટે કાર્યવાહી શરૂ કરવામાં વિલંબ આકારણી માટે ઘાતક હશે કે નહીં તે પ્રશ્ન ખુલ્લો છોડી દીધો હતો.

જોકે આઇટી વિભાગે ભારપૂર્વક જણાવ્યું હતું કે રિકવર કરાયેલી સામગ્રી મુજબ પાર્ટીની  રૂ.520 કરોડથી વધુની આવક પર ટેક્સ ભર્યો નથી. અગાઉ ટેક્સ ઓથોરિટીએ રૂ.100 કરોડથી વધુના બાકી ટેક્સની વસૂલાત માટે કોંગ્રેસને નોટિસ ફટકારી હતી. આ નોટિસ સામે ઇનકમ ટેક્સ ટ્રિબ્યુનલે સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી કોંગ્રેસ હાઇકોર્ટમાં ગઈ હતી, પરંતુ તે કેસમાં પણ કોઇ રાહત મળી ન હતી.

 

LEAVE A REPLY