ભારત સરકારના માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટના અપગ્રેડેશન માટે રૂ. 1532.97 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-151-A ના 12.4 કિલોમીટર લાંબા ધ્રોલથી આમરણ વિભાગને રૂ. 625.58 કરોડ ફાળવાયા છે. વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાં 907.39 કરોડના ખર્ચે નેશનલ હાઈવે-48 પર વડોદરા-સુરત સેક્શનના 15 કિલોમીટર લાંબા પટમાં પાઈપલાઈન સહિત વધારાના માળખાના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 સુવર્ણ ચતુર્ભુજનો એક ભાગ છે અને સૌથી વ્યસ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાંથી એક માનવામાં આવે છે, જે દિલ્હીથી શરૂ થાય છે અને હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાંથી પસાર થાય છે. નિર્માણાધીન વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે આ પ્રોજેક્ટ રૂટને ક્રોસ કરે છે, જે ટ્રાફિકની અવરજવરને સરળ બનાવવા માટે નેશનલ હાઈવે-48 સાથે સંકલિત કરવામાં આવશે.