અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અહીંયા મંદિર સહિત દસ પ્રોજેક્ટ પર એક સાથે કામ ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. એક હજાર કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. 3500 મજૂર તથા કારીગરો દિવસ-રાત રામ મંદિરને આકાર આપવામાં લાગ્યા છે. રામ મંદિરના નિર્માણનું બજેટ કાશી વિશ્વનાથ ધામ તથા મહાકાલ કોરીડોરથી પણ વધી ગયું છે.
161 ફૂટ ઊંચા ત્રણ માળના રામ મંદિરનો ભૂતળ લગભગ તૈયાર થઈ ગયો છે. હવે ફક્ત ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. ટ્રસ્ટના સૂત્રોના કહેવા પ્રમાણે મંદિર સહિત અન્ય પ્રોજેક્ટના નિર્માણમાં કુલ 1800 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
કાશી વિશ્વનાથ ધામના નવીનીકરણમાં લગભગ 900 કરોડ તથા મહાકાલ કોરિડોરને વિક્સાવવામાં લગભગ 850 કરોડ રુપિયાનો ખર્ચ થયો હતો. રામ મંદિર ભવ્યતા તથા ટેકનોલોજીના મામલામાં પણ વિશ્વના શ્રેષ્ઠત્તમ મંદિરો પૈકી એક હશે.
ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ રામમંદિરના નિર્માણનો કુલ ખર્ચ રૂપિયા 575 કરોડ આંકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મંદિર પરિસરમાં તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર, પબ્લિક યૂટિલિટી, પરકોટા રિટેનિંગ વોલ, સીતા કૂપ, કુબેર ટીલા, શેષાવતાર મંદિરનું નવીનીકરણ, વીજળી તથા પાણીનો પ્લાન્ટ અને રોડ-રસ્તાનું કામ ચાલી રહ્યું છે.
નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠિત થનારી રામલલ્લાની મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે. કર્ણાટક તથા રાજસ્થાનના મૂર્તિકાર ત્રણ મૂર્તિ બનાવી રહ્યા છે, આ મૂર્તિઓ બનીને લગભગ તૈયાર થઈ ગઈ છે. આ મૂર્તિમાં રામલલ્લાની બાળ સુલભ કોમળતા છલકશે, જેને મંદિરમાં સ્થાપિત કરાશે. 17 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.
રામ મંદિરમાં દરવાજાઓને સુવર્ણજડિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામની જવાબદારી દિલ્હીની એક જ્વેલરી ફર્મે લીધી છે. દરવાજા પર 20 ગેજના તાંબાનો ઢોળ ચડાવવામાં આવી રહ્યો છે, જેની કેમિકલ અને એસિડથી સફાઈ કરાશે. ત્યારપછી તેના પર પાંચ લેયર સોનાનો વરખ લગાવવામાં આવશે અને આ કાર્યને પાંચ જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનો સમય આપવામાં આવ્યો છે. રામમંદિરના સિંહાસન તથા પાંચ ગુંબજને પણ સોનાથી જડવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરશે. આ જ દિવસે પ્રથમ ફ્લાઇટ પણ લોંચ થઈ રહી છે. અયોધ્યાના ધારાસભ્ય વેદપ્રકાશે જણાવ્યું હતું કે, એરપોર્ટનાં ઉદઘાટનની સાથે સાથે વડાપ્રધાન પુનઃનિર્મિત અયોધ્યા રેલવે સ્ટેશનનું પણ ઉદઘાટન કરશે. રેલવે સ્ટેશનને રામ મંદિર મોડલની તર્જ પર બનાવવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રૂ. 350 કરોડનાં ખર્ચે એરપોર્ટને વિક્સાવાની મંજૂરી આપી છે. ગુરુવારે નાગરિક ઉડ્ડયન નિયમનકારે પણ મંજૂરી આપી દીધી છે. પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સમાં 500 પ્રવાસીને સમાવી શકે તેટલી ક્ષમતા ધરાવે છે. ઇન્ડિગોએ 30 ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યાની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવા એરપોર્ટ પરથી ઉડાન ભરનારી આ પ્રથમ ફ્લાઇટ હશે.