કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇને રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના મૃતક અધિકારીના ઘરેથી આશરે રૂ.1 કરોડની રકમ મળી હતી. આ અધિકારીની સીબીઆઇએ કથિત રીતે રૂ.5 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી. સીબીઆઇની કાર્યવાહી પછી અધિકારીએ આપઘાત કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજકોટમાં તૈનાત ડીજીએફટીના જોઈન્ટ ડાયરેક્ટર જાવરી મલ બિશ્નોઈના પરિસરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈએ ₹ 1 કરોડની બે બેગ જપ્ત કરી હોવાનો દાવો કર્યો હતો. આ બેગો કથિત રીતે તેમના પરિવારના સભ્યોએ ઘરની બહાર ફેંકી દીધી હતી.
CBIએ શુક્રવારે બિશ્નોઈની ધરપકડ કરી હતી જ્યારે તે કથિત રીતે એક વેપારી પાસેથી માંગવામાં આવેલા કુલ ₹9 લાખમાંથી ₹5 લાખની લાંચ મેળવી રહ્યો હતો. અધિકારીએ ખાદ્યપદાર્થોની નિકાસ કરવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવા લાંચ માગી હતી. તેમની ધરપકડના એક દિવસ પછી, બિશ્નોઈ (44) કથિત રીતે ચોથા માળની ઓફિસમાંથી કુદવો મારીને આપઘાત કર્યો હતો.