કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી)એ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના ઠેકાણે દરોડા પાડીને આશરે રૂ.1 કરોડની બિનહિસાબી રોકડ રકમ અને રૂ.6,00 કરોડની ગુનાની કમાણી શોધી કાઢી છે. ઇડીએ રેલવેમાં લેન્ડ ફોર જોબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરી હતી.
શનિવારે એક નિવેદનમાં EDએ જણાવ્યું હતું કે, સર્ચ કાર્યવાહીમાં રૂ.1 કરોડની બિનહિસાબી આવક, 1,900 ડોલરની વિદેશી કરન્સી, 540 ગ્રામ સોનું, 1.5 કિગ્રા ગોલ્ડ જ્વેલરી મળી આવી હતી, જેની કિંમત આશરે રૂ.125 કરોડ છે. આ ઉપરાંત લાલુ પ્રસાદના પરિવારના નામો પર વિવિધ પ્રોપર્ટીના દસ્તાવેજ, વેચાણખત મળી રહ્યાં છે. લાલુ પરિવાર ગેરકાયદેસર રીતે જમીનનો માલિક બન્યો હોવાના પણ સંકેત મળી રહ્યાં છે.
તપાસ એજન્સી ઇડીએ શુક્રવારે દિલ્હીમાં લાલુ યાદવ પરિવારના સભ્યો સાથે જોડાયેલા વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. લાલુ પ્રસાદના પુત્ર અને બિહારના ડેપ્યુટી મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સાથે જોડાયેલા સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
તાજેતરમાં સીબીઆઇએ લેન્ડ ફોર જોબ કૌભાંડના કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીની પૂછપરછ કરી હતી. એવો આરોપ છે કે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રમાં રેલવે પ્રધાન હતા ત્યારે જમીન લઈને રેલવેમાં નોકરી આપવામાં આવી હતી.