ઘોડાઓ સાથે મહારાણીનો પ્રેમ 90 વર્ષથી વધુ સમયનો થઇ ચૂક્યો છે ત્યારે તેમની સાથે ટૂંક સમયમાં કેટલાક નવા ઘોડેસવારો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લુઇ તેમના ટટ્ટુઓ સાથે જોડાનાર છે.
ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજના બાળકોએ મોટાભાગનો લોકડાઉનનો સમય તેમના નોર્ફોક ખાતેના ઘરે ઘોડેસવારી શીખવામાં ગાળ્યો હતો. 94 વર્ષની વયે પણ લૉકડાઉન દરમ્યાન ઘોડેસવારી કરતા મહારાણી તેમના પૌત્રો-પૌત્રોની ઘોડેસવારીની પ્રગતિમાં ખૂબ જ રસ લેતા હોવાનું માનવામાં આવે છે.
લોકડાઉન હળવું થાય પછી સમરમાં જ્યોર્જ (7) શાર્લોટ (5) અને લુઇ (2) વિન્ડસર અને બાલમોરલ ખાતે ઘોડેસવારી કરવા જોડાશે તેવી ધારણા છે. આ બાળકો થોડા સમય માટે પોતાના પોની રાખવા માટે ઉત્સુક હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પ્રિન્સ જ્યોર્જ પ્રિન્સ વિલિયમના પિતરાઇ ઝારા ટિંડલ સાથે જોડાયેલા શેટલેન્ડ પોની પર સવારી કરી ચૂક્યા છે. વિલિયમ અને કેટ તેમના બાળકોને ઘોડેસવારી શીખવવા ઉત્સુક છે.
ડ્યુક વિલિયમ ખુદ કુશળ ઘોડેસવાર છે અને 2005થી શિયાળનો શિકાર કરવા પર પ્રતિબંધ આવ્યો ત્યાં સુધૂ નિયમિત શિકાર કરતા હતા અને હજુ પણ ચેરિટી ઇવેન્ટ્સ માટે પોલો રમે છે.