અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવેલી કોવિડ-19 માટેની રોનાપ્રેવ નામની જીવનરક્ષક નવી એન્ટિબોડી સારવારનો લાભ યુકેની હોસ્પિટલોમાં હજારો નબળુ આરોગ્ય ધરાવતા દર્દીઓને આપવામાં આવશે. બે મોનોક્લોનલ એન્ટિબોડીઝનું સંયોજન ધરાવતી રોનાપ્રેવ દવા શરૂઆતમાં એવા લોકોને અપાશે જેમણે કોરોનાવાયરસ સામે એન્ટિબોડીનો પ્રતિસાદ બતાવ્યો નથી.
યુકેના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે, “અમે યુકેની હોસ્પિટલોમાં અમારા સૌથી નબળુ આરોગ્ય ધરાવતા દર્દીઓ માટે એકદમ નવી સારવાર મેળવી છે અને હું રોમાંચિત છું કે તે આવતા સપ્તાહની શરૂઆતથી તે લોકોના જીવન બચાવશે.”
આ દવા ચોક્કસ કેન્સર અથવા ઓટોઇમ્યુન બિમારીઓ ધરાવતા લોકો કે જેઓ ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ્ડ છે તેમને ટાર્ગેટ કરશે. આવા લોકોને કોવિડ-19 ના સંપર્કમાં આવવાથી અથવા રસીકરણથી વાયરસ સામે એન્ટિબોડી પ્રતિભાવ બનાવવામાં મુશ્કેલી પડે છે. ટૂંક સમયમાં આ અંગે ક્લિનિશિયનને માર્ગદર્શન આપવામાં આવશે જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે સારવાર આપી શકે.
રોનાપ્રેવએ કોવિડ-19 માટે વિકસિત પ્રથમ સમર્પિત દવા છે જેને મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ માન્યતા આપી છે. ICUમાં દાખલ થયાના 24 કલાકની અંદર દર્દીઓને આ દવા આપવાથી મૃત્યુના સંબંધિત જોખમને 24 ટકા ઘટાડી શકાય છે.