ફૂટબોલના ઇતિહાસમાં સૌથી વધારે ગોલ કોણે કર્યા તે મુદ્દે હજી સત્તાવાર સ્પષ્ટતા નથી કારણ કે ગ્લોબલ ગવર્નિંગ બોડી ફિફાએ તેનો રેકોર્ડ રાખ્યો નથી. પણ કેટલાક મીડિયા આઉટલેટ્સના રીપોર્ટ મુજબ રોનાલ્ડોએ ગોલની યાદીમાં ટોચના ખેલાડી, ઓસ્ટ્રો-ઝેક ખેલાડી જોસેફ બાઇકેનને પાછળ પાડી દીધો છે. તેણે કુલ 760 ગોલ કર્યા છે.
બાઇકેનની સાથે બ્રાઝિલિયન સ્ટ્રાઇકર પેલે અને રોમારીઓએ પણ એક હજારથી ગોલ કર્યા હોવાનું મનાય છે, પરંતુ આ આંકડામાં એમેચ્યોર, બિનસત્તાવાર અને ફ્રેન્ડલી મેચીઝનો પણ સમાવેશ થાય છે.
રોનાલ્ડોની કેરિયર ટેલીમાં ચાર ક્લબ તરફથી તે રમ્યો તેના અને પોતાના દેશ પોર્ટુગલ તરફથી રમ્યો તેનો સમાવેશ થાય છે. તેના હરીફ લાયોનલ મેસીએ એક જ ક્લબ બાર્સેલોના તરફથી રમતા ૬૪૪ ગોલ કર્યા છે.
૩૫ વર્ષના રોનાલ્ડોએ પોર્ટુગલ વતી ૧૦૨ ગોલ કર્યા છે. તેણે સ્પોર્ટિંગ ક્લબ લિસ્બન તરફથી રમતા પાંચ ગોલ કર્યા છે, માંચેસ્ટર યુનાઇટેડ તરફથી રમતા ૧૧૮, રીયલ માડ્રિડ વતી રમતા ૪૫૦ ગોલ અને યુવેન્ટસ તરફથી રમતા ૮૫ ગોલ કર્યા છે.