સ્ટાર-ક્રિકેટર રોહિત શર્મા અને દેશની ટોચની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ તેમ જ મહિલા હૉકી-કૅપ્ટન રાની રામપાલના નામની ભલામણ આ વર્ષના ‘રાજીવ ગાંધી ખેલરત્ન અવૉર્ડ’ માટે કરવામાં આવી છે. દેશના ખેલકૂદ ક્ષેત્રે આ સર્વોચ્ચ પુરસ્કાર છે અને એ માટે બીજા બે ઍથ્લેટના નામ પણ સૂચવવામાં આવ્યા છે જેમાં મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને દિવ્યાંગ ઍથ્લેટ તથા પૅરાલિમ્પિક્સના હાઇ-જમ્પર ગોલ્ડ-મેડલ વિજેતા મરિયપ્પન થાન્ગાવેલુનો સમાવેશ છે.
આ યાદીમાં રાની રામપાલનું નામ મોડેથી ઉમેરવામાં આવ્યું હતું. તે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નૉમિનેટ થયેલી દેશની પ્રથમ મહિલા હૉકી ખેલાડી છે. આ પહેલાં, હૉકીમાં માત્ર ધનરાજ પિલ્લે (વર્ષ ૨૦૦૦)ને અને સરદાર સિંહ (વર્ષ ૨૦૧૭)ને ખેલરત્નથી નવાજવામાં આવ્યા હતા. ખેલરત્ન પુરસ્કાર માટે એકસાથે પાંચ ઍથ્લેટના નામ સૂચવવામાં આવ્યા હોય એવું પહેલી વાર બન્યું છે. ૨૦૧૬માં ચાર ઍથ્લેટ જેમ કે પી. વી. સિંધુ, જિમ્નૅસ્ટ દીપા કરમાકર, શૂટર જિતુ રાય અને રેસલર સાક્ષી મલિકના નામની ભલામણ કરાઈ હતી અને તેમને સયુંક્તપણે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ વખતના પુરસ્કાર વિજેતાઓના નામ સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજીજુ દ્વારા નક્કી કરાશે. આ અવૉર્ડના દાવેદારો માટે ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ સુધીનો સમયગાળો ધ્યાનમાં લેવામાં આવ્યો છે. રોહિત શર્માને જો આ પુરસ્કાર આપવામાં આવશે તો તે સચિન તેન્ડુલકર (૧૯૯૮), મહેન્દ્રસિંહ ધોની (૨૦૦૭) અને વિરાટ કોહલી (૨૦૧૮) પછીનો ચોથો ક્રિકેટર કહેવાશે. વર્ષ ૨૦૨૦ના ખેલરત્ન પુરસ્કાર માટેની ભલામણો ખેલ મંત્રાલયની ૧૨ મેમ્બરની સિલેક્શન કમિટીએ કરી હતી.
આ સમિતિમાં વીરેન્દર સેહવાગ અને ભૂતપૂર્વ હૉકી કૅપ્ટન સરદાર સિંહનો સમાવેશ છે. દરમિયાન, જાણીતા પેસ બોલર ઇશાંત શર્મા તેમ જ તીરંદાજ અતનુ દાસ તેમ જ મહિલા હૉકી ખેલાડી દીપિકા ઠાકુર, કબડ્ડી પ્લેયર દીપક હૂડા અને ટેનિસ ખેલાડી દિવીજ શરન સહિત ૨૯ જણના નામની ભલામણ આ વર્ષના અર્જુન પુરસ્કાર માટે કરવામાં આવી છે. ૩૧ વર્ષનો ઇશાંત ભારત વતી ૯૭ ટેસ્ટ તેમ જ ૮૦ વન-ડે રમ્યો છે અને તેણે કુલ ૪૦૦ ઇન્ટરનેશનલ વિકેટ લીધી છે.