ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે અને એ સીરીઝમાં ટેસ્ટ ટીમમાં રોહિત શર્માને વાઈસ કેપ્ટન તેમજ વન-ડે ટીમમાં સુકાની બનાવાયો હતો, પણ સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે કરેલી જાહેરાત મુજબ રોહિત શર્માને મુંબઈમાં પ્રેકટીસ દરમિયાન ઈજા થતાં હવે તે સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં રમી શકે તેમ નથી. તેની જગ્યાએ ગુજરાતના રણજી ટ્રોફી પ્લેયર પ્રિયાંક પંચાલનો ટીમમાં સમાવેશ કરાયો છે. પ્રિયાંક હજી આ મહિને જ ઈન્ડિયા એ ટીમની સાથે સાઉથ આફ્રિકા રમીને આવ્યો છે.
હજી ગયા સપ્તાહે જ ભારતીય ક્રિકેટ બોર્ડે ટેસ્ટ સીરીઝ માટેની 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી. વિરાટ કોહલીના સુકાનીપદમાં ટેસ્ટ મેચ શ્રેણી માટે અજિંક્ય રહાણેના સ્થાને રોહિત શર્માને વાઈસ કેપ્ટન જાહેર કરાયો હતો. બોર્ડનો કોહલીને વન-ડે ટીમના સુકાનીપદેથી હટાવી દેવાનો નિર્ણય ચોંકાવનારો અને ચર્ચાસ્પદ બન્યો હતો.
હવે રોહિત શર્મા અનફિટ જાહેર થઈ ગયો છે ત્યારે ઉપસુકાનીપદ કોને સોંપાશે તે રસપ્રદ બાબત થઈ પડશે.
આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં ખાસ સફળ નહીં રહ્યા હોવાના કારણે રહાણે તેમજ ચેતેશ્વર પુજારાને સાઉથ આફ્રિકા પ્રવાસ માટેની ટીમમાં સ્થાન મળશે કે નહીં તેવી અટકળોએ ખૂબજ જોર પકડ્યું હતું, પણ 18 સભ્યોની ટીમમાં બન્નેનો સમાવેશ કરાયો હતો.
જો કે, ટીમમાંથી ઓપનિંગ બેટ્સમેન શુભમાન ગિલ, રવિન્દ્ર જાડેજા તેમજ અક્ષર પટેલ પણ અનફિટ હોવાના કારણે તેમની પસંદગી કરાઈ નહોતી.ભારતીય ટેસ્ટ ટીમ આ મુજબ છેઃ વિરાટ કોહલી (કેપ્ટન), કે. એલ. રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટ કીપર), રિદ્ધિમાન સહા (વિકેટ કીપર), રવિચન્દ્રન અશ્વિન, જયંત યાદવ, ઇશાંત શર્મા, મોહમત શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમદ સિરાજ અને પ્રિયાંક પંચાલ.
આ ઉપરાંત ગુજરાતના ફાસ્ટ બોલર અર્ઝાન નાગવાસવાલા સહિત ચારને સ્ટેન્ડબાય જાહેર કરાયા છે. બાકીના ત્રણમાં નવદીપ સૈની, સૌરભ કુમાર અને દીપક ચાહરનો સમાવેશ થાય છે.