દક્ષિણ એશિયન સમુદાયમાં વધુ સારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતી ચેરિટી અને ‘બ્રિટીશ શીખ નર્સ’ના સ્થાપક રોહિત સાગુને વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનો દૈનિક પોઇન્ટ્સ ઑફ લાઇટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
લંડનના રોહિત સાગુ, યુકેમાં જન્મેલા અને બાળકોના પ્રથમ બ્રિટીશ એશિયન મેલ નર્સ છે. તેમણે એનએચએસ અને દક્ષિણ એશિયન બેકગ્રાઉન્ડના લોકો વચ્ચેના અંતરને ઘટાડવા માટે 2015 માં ‘બ્રિટીશ શીખ નર્સ’ના સ્થાપના કરી હતી. જેથી માનસિક આરોગ્ય, અંગદાન, જેન્ડર અને એબ્યુઝ અને ડાયાબિટીસના પ્રભાવ જેવા સમુદાયમાં પ્રચલિત પ્રશ્નોનો હલ લાવી શકાય. તેમણે દક્ષિણ એશિયાઈ બેકગ્રાઉન્ડના 10,000 થી વધુ નવા સ્ટેમ સેલ દાતાઓને પ્રોત્સાહન આપ્યું છે. BAME સમુદાયોમાંથી નવા દાતાઓ બહાર આવે તે આશયે જાગૃતિ લાવવા માટે દેશભરના ગુરુદ્વારાઓની મુલાકાત લઈને પ્રયાસો આદર્યા હતા.
રોહિતને આપેલા અંગત પત્રમાં વડા પ્રધાન બોરીસ જ્હોન્સને કહ્યું હતું કે ” બ્રિટીશ શીખ નર્સ’ની સફળતા અને હજારો નવા સ્ટેમ સેલ દાતાઓને પ્રોત્સાહિત કરવાના તમારા અસાધારણ પ્રયત્નો બદલ અભિનંદન. જ્યારે આપણી એનએચએસને ભારે દબાણનો સામનો કરવો પડે છે, ત્યારે તમે તમારા સભ્યોની શારીરિક અને માનસિક સુખાકારીની સંભાળ રાખવા માટે રોકાયેલા છો. સ્ટેમ સેલ દાતાઓ અને અંગ દાતાઓને વધારવા માટેની પહેલ સાથે તમે એનએચએસને પણ સુંદર રીતે ટેકો આપ્યો છે.”
રોહિત વડા પ્રધાનનો યુકે દૈનિક પોઇન્ટ્સ ઑફ લાઇટ એવોર્ડ પ્રાપ્ત કરનારા 1514 મા વ્યક્તિ છે જેની શરૂઆત એપ્રિલ 2014 માં કરાઈ હતી. દરરોજ, કોઈકને, દેશમાં ક્યાંક તેમની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી માટે એવોર્ડ પ્રાપ્ત કરવા માટે પસંદ કરવામાં આવે છે.