ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ ગયા સપ્તાહે અમેરિકામાં માયામી ઓપન ટેનિસની પુરૂષોની ડબલ્સમાં પોતાના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબડેન સાથે રમતા પુરૂષોની ડબલ્સનું એક વધુ ટાઈટલ હાંસલ કરી 44 વર્ષની વયે ચેમ્પિયન બનવાનો એક વધુ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.
ફાઇનલમાં ઇવાન ડોડિગ અને ઓસ્ટિન ક્રાજીસેકને 6-7 (3), 6-3, 10-6થી હરાવી રોહન – મેથ્યુએ તાજ ધારણ કર્યો હતો.રોહન બોપન્નાએ માસ્ટર્સ 1000 ટાઈટલ વિજયમાં સૌથી વરિષ્ઠ ખેલાડીનો પોતાનો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ કર્યો હતો.
તેણે ગયા વર્ષે કેલિફોર્નિયામાં એબ્ડેન સાથે ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સ ટાઈટલ 43 વર્ષની વયે હાંસલ કર્યું હતું. રોહન બોપન્ના અને મેથ્યુ એબડેનની જોડીએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને મેલબોર્નમાં ઈતિહાસ રચ્યો હતો. રોહન બોપન્ના મેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર 1 પર આવી ગયો હતો. આ બન્ને આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ ફાઈનલમાં રમી બે સ્પર્ધામાં ટાઈટલ વિજેતા રહ્યા છે.