ભારતના 43 વર્ષના ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ સૌથી મોટી ઉંમરે ઈન્ડિયન વેલ્સ એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટમાં પુરુષોના ડબલ્સનું ટાઈટલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના મેથ્યૂ એબ્ડેન સાથે રમતા રોહને ઈન્ડિયન વેલ્સની ફાઈનલમાં ટોપ સીડેડ જોડી – બ્રિટનના સ્કૂપ્સ અને નેધરલેન્ડના કૂલ્હોફને 6-3, 2-6, 10-8થી હરાવી આ સિદ્ધિ હાંસલ કરી હતી.
અગાઉ એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટાઈટલ સૌથી મોટી ઉંમરે જીતવાનો રેકોર્ડ કેનેડાના ડેનિયલ નોસ્ટરના નામે હતો. તેણે 2015માં સિનસિનાટી માસ્ટર્સનું ટાઈટલ મેળવ્યું હતું. આ રીતે, બોપન્નાએ આ વિજય સાથે નોસ્ટરનો રેકોર્ડ તોડ્યો હતો.
બોપન્ના અને એબ્ડેનની જોડી કતાર ઓપન ચેમ્પિયનશિપમાં પણ પુરૂષોની ડબલ્સમાં ટાઈટલ વિજેતા રહી હતી. બોપન્નાએ કારકિર્દીમાં 10મી એટીપી માસ્ટર્સ 1000 સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલ રમી પાંચ ટાઈટલ મેળવ્યા છે.