પોલીસ અને કાઉન્સિલના વડાઓના “અપૂરતા” પ્રતિસાદને કારણે રોશડેલમાં વર્ષોથી છોકરીઓને પીડોફાઇલ ગ્રુમિંગ ગેંગની “દયા પર” છોડી દેવામાં આવી હતી તથા 96 જેટલા પુરુષો હજુ પણ સંભવિત જોખમ ઊભું કરે તેમ છે એવું ‘ઓપરેશન સ્પાન’ના અહેવાલમાં જાણવા મળ્યું છે.
રોશડેલમાં ગૃમીંગના આરોપો અંગે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ (GMP)ની ખૂબ જ ટીકા કરાયેલી તપાસ – ઓપરેશન સ્પાનના 173 પાનાના આઘાતજનક અહેવાલમાં જણાવાયું છે કે ‘’ઓળખવામાં આવેલા 96 પુરુષોને હજુ પણ બાળકો માટે સંભવિત જોખમરૂપ માનવામાં આવે છે.’’
માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ દ્વારા શરૂ કરાયેલ તપાસમાં 2004 થી 2013 સુધીના બનાવોને આવરી લેવાયા હતા અને પોલીસ ફાઇલો પરના 111 બાળકોના કેસોની સમીક્ષા કરાઇ હતી. તેમાં 74 બાળકોનું જાતીય શોષણ થતું હોવાના પુરાવા મળ્યા હતા. જ્યારે 48 કેસમાં તેમને બચાવવામાં “ગંભીર નિષ્ફળતા” મળી હતી. આ રિપોર્ટમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી અનેક નિષ્ફળ તપાસ અને સેંકડો યુવતીઓની દુર્દશા પ્રત્યે સ્થાનિક સત્તાવાળાઓમાં દેખીતી ઉદાસીનતા દર્શાવવામાં આવી છે. તેમાં મુખ્યત્વે ગરીબ પૃષ્ઠભૂમિની શ્વેત છોકરીઓ એશિયન પુરુષો દ્વારા શોષણનો ભોગ બની હતી.
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલ સ્ટીવન વોટસને અહેવાલના તારણોને “આઘાતજનક, સખત અને શરમજનક” કહી જણાવ્યું હતું કે “પોલીસની પ્રાથમિક જવાબદારીઓમાંની એક નબળા લોકોને બચાવવાની છે પણ અમે નિષ્ફળ નિવડ્યા હતા. અમારા ભૂતકાળમાંથી સારી રીતે લેસન શીખ્યા હતા. જેને કારણે આજે બાળકોની સુરક્ષામાં સામેલ પોલીસ અને ભાગીદાર એજન્સીઓએ સારી રીતે કાર્ય કરી શકે છે.’’
આ રિપોર્ટ જણાવે છે કે રોશડેલમાં 2004ની શરૂઆતથી જ બાળકોના વ્યાપક, સંગઠિત જાતીય શોષણના “જબરા પુરાવા” હતા. ત્રણ વર્ષ પછી, 2007 માં, સારા રોબોથમની આગેવાની હેઠળની એક ઇમરજન્સી ટીમે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ અને રોશડેલ કાઉન્સિલને સંગઠિત અપરાધ જૂથની સંડોવણી માટે ચેતવણી આપી હતી. કમનસીબે GMP એ ગેંગલીડર્સને ઓળખી કાઢ્યા હતા પરંતુ બાળકો મદદ કરવા માટે ખૂબ ગભરાયેલા હોવાથી વધુ તપાસ કરી ન હતી. પોલીસ કામગીરી અસંખ્ય અન્ય ગુનાઓને સંબોધવામાં નિષ્ફળ રહી છે અને બાળકોના આક્ષેપોને અવગણવામાં આવ્યા છે.
રોશડેલમાં 30 પુખ્ત વયના શંકાસ્પદોને સંડોવતી બે ટેક-વે શોપ્સ અંગેની પોલીસ તપાસ સમય પહેલા બંધ કરાઇ હતી. રોશડેલમાં એક સ્પેશ્યાલીસ્ટ ટીમના ગઠન બાદ એક બાળકે સોસ્યલ વર્કરને 60 જેટલા પુરુષો દ્વારા બાળકો સાથે બહોળા પ્રમાણમાં થતા દુર્વ્યવહાર વિશે જણાવ્યું હતું. ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટરે તપાસ માટે વધુ સ્ટાફની માંગણી કરી હતી પરંતુ પોલીસ અધિકારીઓએ તે વિનંતીને નકારી કાઢી હતી.
મે 2012માં નવ પુરૂષોને હાઈ-પ્રોફાઈલ કોર્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમણે 12 વર્ષની છોકરીઓને દારૂ અને ડ્રગ્સ આપી ટેક-વે શોપ્સની ઉપરના રૂમમાં સામૂહિક બળાત્કાર કરાયો હતો. આ ચુકાદાએ ઉપરની સપાટી પરના બાળ શોષણને ઉજાગર કર્યું હતું. પોલીસ અને કાઉન્સિલના વડાએ નગરમાંથી ગૃમીંગને દૂર કર્યું હોવાનું રજૂ કર્યું હતું. પણ હકીકતમાં, પોલીસ અને સોસ્યલ કેરના અધિકારીઓએ બાળકોના દુરુપયોગના સ્તરથી વાકેફ હોવા છતાં સમસ્યાને “પર્યાપ્ત અગ્રતા” આપી ન હતી.
અહેવાલના સહ-લેખક માલ્કમ ન્યુઝમ, સીબીઇએ જણાવ્યું હતું કે “પોલીસ કામગીરી શરૂ કરાઇ હતી, પરંતુ આ વિસ્તારમાં વ્યાપેલા વ્યાપક સંગઠિત શોષણના સ્તરની તપાસ કરવા અપૂરતા સંસાધનો અપાયા હતા. પરિણામે, બાળકોને જોખમમાં મુકાયા હતા અને આજ દિન સુધી દુર્વ્યવહાર કરનારા ઘણા લોકોને પકડવામાં આવ્યા નથી.”
અહેવાલમાં જાણવા મળ્યું હતું કે સત્તાવાળાઓએ ફરીથી બાળકોને પીડોફાઈલ ગેંગની ચુંગાલમાં છોડી દીધા હતા. શ્રીમતી રોબોથમ અને શ્રીમતી ઓલિવર એક માત્ર લોકો હતા જેમણે રોશડેલમાં અસંખ્ય બાળકો પરના પ્રચંડ શ્રેણીબદ્ધ બળાત્કારના સ્પષ્ટ પુરાવાને ઉજાગર કર્યા હતા.
ધ મેગી ઓલિવર ફાઉન્ડેશનની સ્થાપના કરનાર શ્રીમતી ઓલિવરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ‘હું સ્પષ્ટપણે કહીશ કે તે સમયે જે નિષ્ફળતાઓ હતી તે હજી પણ થઈ રહી છે.”
મેયર બર્નહામે રોબોથમ અને ઓલિવરની આગળ આવવા બદલ પ્રશંસા કરી આ કેસમાં સામેલ સંસ્થાઓને નિષ્ફળતાઓ માટે જવાબદાર લોકો સામે આંતરિક શિસ્તની કાર્યવાહી શરૂ કરવા પણ હાકલ કરી હતી.
રોશડેલ કાઉન્સિલના નેતા નીલ એમ્મોટે કહ્યું હતું કે “અમે ખૂબ જ દિલગીર છીએ કે 2004 થી 2013ના સમયગાળા દરમિયાન રોશડેલ કાઉન્સિલના લોકોએ બાળકોના જીવનને અસર કરતી ખૂબ જ ગંભીર નિષ્ફળતાઓને ઓળખી કે સ્વીકારી ન હતી અને જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા. જે ભયંકર નુકસાન થયું હતું તેને કોઈપણ ક્ષમા કે માફી ક્યારેય સુધારી શકતી નથી.”