મેરે સ્ટ્રીટ, રોશડેલના 18 વર્ષીય હુસ્નૈન મસૂદને બસ સ્ટોપની નીચે નકલી બોમ્બ પ્લાન્ટ કરી એક પોલીસ અધિકારીને ભય બતાવી જગ્યા છોડવા મજબૂર કરવા, ધારદાર શસ્ત્ર રાખવા, હિંસાનો ભય પેદા કરવાના ઈરાદા સાથે નકલી હથિયાર રાખવાના અને નકલી બોમ્બ વડે છેતરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટ દ્વારા 14 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
21 એપ્રિલના રોજ સવારે 3 વાગ્યા પછી પોલીસને રોશડેલમાં એક ફોન બોક્સમાંથી કોલ આવ્યો હતો કે રોશડેલની ડેન સ્ટ્રીટ પર બસ સ્ટોપની નીચે એક બંદૂક ધરાવનાર વ્યક્તિને વાયરો સાથે બેગ મૂકતો જોયો હતો. પોલીસે હાજરી આપતા કોલરના વર્ણન સાથે મેળ ખાતી બેગ મળી હતી. ત્યાં ઘેરાબંધી કરી આર્મી એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝલ યુનિટને બોલાવવામાં આવ્યા હતા.
એક અધિકારી તેની કારમાં બેઠા હતા ત્યારે મસૂદ બાલાક્લાવા સાથે કાળા કપડાં પહેરીને ત્યાં આવ્યો હતો અને કાર પર નોક કર્યું હતું. મસૂદ પાસેની છરી જોઇ તે અધિકારી ભાગ્યા હતા. તેમણે મસૂદના હાથમાં બંદૂકનો બટ હોય તેવું કોઇ સાધન અને તેના કપડામાંથી વાયરો નીકળતા જોયા હતા. ત્યારબાદ ટેઝર અને સ્પ્રેનો ઉપયોગ કરીને મસૂદની અટકાયત કરાઇ હતી.