કેલિફોર્નિયામાં મનોરંજનની દુનિયામાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. એજ ઇન્નોવેશન્સ નામની કંપનીએ એનિમેશન ટેકનોલોજીની મદદથી બેટરી સંચાલિત ડોલ્ફિન બનાવી છે, જે હુબહુ અસલી ડોલ્ફિન જેવી જ દેખાય છે. આ કંપનીના એનિમેટ્રોનિક્સના ક્રિએટિવ ડાયરેક્ટર રોજર હોલ્ઝબર્ગે જણાવ્યું હતું કે, આ ડોલ્ફિનને મનોરંજન માટે જાહેર એક્વેરિયમમાં રાખી શકાય છે. બેટરી અને રીમોટથી સંચાલિત આ ડોલ્ફિનનો ડોલ્ફિન પાર્કમાં ઉપયોગ કરી શકાય છે અને તેના પર હુમલો થવાનું જોખમ રહેતું નથી. આ ડોલ્ફિન સતત દસ કલાક સુધી તરી શકે છે.
એજ ઇન્નોવેશન્સના સ્થાપક અને સીઇઓ વોલ્ટ કોન્ટી જણાવે છે કે, અત્યારે તેમની પાસે 3 હજાર ડોલ્ફિન્સ છે, જે બિલિયન્સ ડોલરનો બિઝનેસ કરવામાં મદદ કરે છે. યુરોપમાં અંદાજે 20 દેશોએ સર્કસમાં જંગલી જાનવરોના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે અથવા તો તેની સંખ્યા મર્યાદિત કરી છે, આ સ્થિતિમાં આવી રોબોટિક ડોલ્ફિનનો પ્રયોગ સફળ થવાની આશા છે.