રોબિન ઉથપ્પાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 2007ના ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હીરો રહેલા ઉથપ્પાએ નિવૃત્તિ લેવા અંગે ટ્વિટર પર જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હું મારા દેશ અને રાજ્ય કર્ણાટક માટે ક્રિકેટ રમ્યો તે મારું સૌભાગ્ય છે. દરેક સારી બાબતનો અંત આવવો જોઈએ અને કૃતજ્ઞાપૂર્વક મેં તમામ પ્રકારના ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. હું 20 વર્ષ પ્રોફેશનલ ક્રિકેટ રમ્યો છું અને મને દેશ તથા રાજ્ય તરફથી ક્રિકેટ રમવાનું સમ્માન મળ્યું. આ ઉતાર-ચઢાવ સાથેની એક સારી યાત્રા રહી છે. ક્રિકેટે મને એક વ્યક્તિ તરીકે વિકસવામાં મદદ કરી છે. આ નિવૃત્તિ સાથે જ હવે રોબિન ઉથપ્પા વિદેશોમાં યોજાતી અન્ય લીગમાં રમી શકશે. ઉથપ્પા 2006માં ભારતીય ટીમમાં જોડાયો હતો અને તે 46 વન-ડે તથા 13 ટી20 રમ્યો હતો. વન-ડેમાં તેણે 934 રન તથા ટી20માં 249 રન કર્યા છે.