કચ્છ જિલ્લાના ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ રૂ.1 કરોડની લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓ લૂંટ કરવા આંગડિયા પેઢીમાં ઘુસી ગયા હતા અને ચાર લૂંટારુઓ 1 કરોડ રૂપિયા બેગમાં ભરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાઇરલ થયા હતા.
મીડિયા રીપોર્ટ મુજબ કચ્છના ગાંધીધામમાં આવેલા ખન્ના બજારમાં આ લૂંટની ઘટના બપોરના 3 વાગ્યાની આસપાસ બની હતી. ભરબપોરે લૂંટારુઓએ ખન્ના બજારમાં આવેલી PM આંગડિયા પેઢીને નિશાન બનાવી હતી. 4 લૂંટારુઓ મોઢે હેલમેટ પહેરીને બંદૂક સાથે આંગડિયા પેઢીમાં ઘુસી ગયા હતા અને બંદૂકની અણીએ આંગડિયા પેઢીના કર્મચારીઓને ધમકાવ્યા હતા. આ ચારેય લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે 1 કરોડ રૂપિયા બેગમાં ભરાવ્યા હતા. 1 કરોડ રૂપિયાની ભરેલી બેગ લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આગડિયા પેઢીના કર્મચારીઓએ સમગ્ર લૂંટના બનાવ અંગે પોલીસ અધિકારીને જાણ કરી હતી.