ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ મુન્દ્રાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર સુધીની રો-રો ફેરી સર્વિસ આવતા મહિને શરુ થવાની તૈયારીમાં છે. આ ગુજરાતની બીજી રો-રો ફેરી સર્વિસ હશે. 53 કિલોમીટર લાંબા દરિયાઈ માર્ગની આ સર્વિસ શરુ થવાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગો, જામનગરના બ્રાસ ઉદ્યોગો તેમજ રાજકોટના ઉદ્યોગોને ઘણો લાભ થઈ શકે છે.
અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ કાર્ગો વેસલને સર્વિસ શરુ કરવા માટે મોટા ભાગની માન્યતાઓ મળી ચુકી છે. વાડીનારની માલિકી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ પાસે છે. એક મહિના પહેલા બોર્ડ મીટિંગમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો કે અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડને રો-રો જેટીનો ઉયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અદાણી એક ખાનગી ફેરી ઓપરેટર સાથે મળીને કાર્ગો વેસલનું સંચાલન કરશે.