નેશનલ યુનિયન ઓફ રેલ, મેરીટાઇમ એન્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (RMT) યુનિયન દ્વારા વધુ હડતાલની તારીખો જાહેર કર્યા પછી રેલ મુસાફરોને વધુ વિક્ષેપનો સામનો કરવો પડશે.
આરએમટી યુનિયનના જનરલ સેક્રેટરી મિક લિન્ચે જણાવ્યું હતું કે ‘’13-14 અને 16-17 ડિસેમ્બર અને 3-4 અને 6-7 જાન્યુઆરીના રોજ ચાર વખત 48 કલાકના સમયગાળાની હડતાલ પાડવામાં આવશે. આ હડતાલ “સ્પષ્ટ સંદેશ મોકલશે કે અમે નોકરીની સુરક્ષા, પગાર અને શરતો માટે સારૂ ડીલ ઇચ્છીએ છીએ”.
નેટવર્ક રેલ અને 14 ટ્રેન કંપનીઓના RMT સભ્યોએ ગયા અઠવાડિયે વધુ ઇન્ડસ્ટ્રીયલ એક્શનની તરફેણમાં મતદાન કર્યું હતું.
G4Sના લગભગ 1,200 સુરક્ષા કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ હડતાલની જાહેરાત પછી બેંકો અને સુપરમાર્કેટોને તહેવારો દરમિયાન રોકડ કટોકટીનો સામનો કરવો પડશે અને તેને કારણે નોટો અને સિક્કાઓના પુરવઠાને અસર થશે.
આ અગાઉ 100,000 સરકારી કર્મચારીઓએ હડતાળની તરફેણમાં મતદાન કર્યું હતું. આ વિન્ટરમાં શિયાળામાં હજારો સિવિલ સર્વન્ટ્સ, પોસ્ટમેન અને નર્સો સાથે વધુ વિન્ટર રેલ વોકઆઉટની જાહેરાત કરાઇ છે.
GMB યુનિયને જણાવ્યું હતું કે યુનિયનના સભ્યોએ 4 ડિસેમ્બરના રોજ સવારે 3 વાગ્યાથી વોકઆઉટ કરવાનો મત આપ્યા બાદ G4S ખાતે તેમની આ પ્રથમ હડતાલ હશે, જેમાં 97 ટકા મત હડતાલની તરફેણમાં આવ્યા હતા.
કોણ અને ક્યારે હડતાળ પર જશે?
સિવિલ સર્વન્ટ્સ: PCS યુનિયને જાહેરાત કરી છે કે આશરે 100,000 સનદી કર્મચારીઓએ પગાર, પેન્શન અને નોકરીઓને લઈને રાષ્ટ્રીય હડતાળ માટે મત આપ્યો છે. હડતાળની તારીખો પછી જાહેર થનાર છે.
નર્સ: હડતાલ ડિસેમ્બરની શરૂઆતમાં શરૂ થવાની ધારણા છે જે બે તારીખોમાં સંભવતઃ મંગળવાર અને ગુરુવારે થઈ શકે છે. તે મે 2023ની શરૂઆત સુધી ટકી શકે છે.
બસ ડ્રાઇવરોઃ 22, 25 અને 26 નવેમ્બરે અને 1, 2, 3, 9, 10, 16 અને 17 ડિસેમ્બરે હડતાળ કરશે.
રેલ કામદારો: 12 બ્રિટિશ ટ્રેન ઓપરેટરો માટે કામ કરતા ડ્રાઈવરો પગાર અંગે ચાલી રહેલા વિવાદમાં 26 નવેમ્બરે હડતાળ પર જશે.
પોસ્ટલ વર્કર: ગુરુવાર 24 અને શુક્રવાર 25 નવેમ્બર અને બુધવાર 30 નવેમ્બર અને ગુરુવાર 1 ડિસેમ્બર 2022ના રોજ નેશનલ હડતાલ પર જશે.
G4S સિક્યોરિટી સ્ટાફઃ બેન્કો અને રીટેલ – શોપ્સને બેંક નોટ-સીક્કા સપ્લાય કરતા લગભગ 1,200નો સ્ટાફ 4 ડિસેમ્બરે સવારે 3 વાગ્યાથી હડતાલ પર જશે.
યુનિવર્સિટી સ્ટાફઃ 150 યુનિવર્સિટીઓના 70,000 થી વધુ UCU સભ્યો 24, 25 અને 30 નવેમ્બરે હડતાળ કરશે.
ફાયરફાઇટર્સ: ફાયર બ્રિગેડ યુનિયન ડિસેમ્બર 5 થી 23 જાન્યુઆરી સુધી હડતાળ પાડવા અંગે તેના સભ્યોનું મતદાન યોજશે.
શિક્ષકો: બે ટીચીંગ યુનિયનો NASUWT 27 ઓક્ટોબરથી 9 જાન્યુઆરી અને NEU 28 ઓક્ટોબરથી 13 જાન્યુઆરી સુધી હડતાળ માટે મતદાન કરશે.