સ્ટ્રેપ એ રોગચાળા દરમિયાન ટોન્સિલિટિસનું ખોટું નિદાન થયાના બીજા દિવસે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામનાર નવ વર્ષની ગુજરાતી બાળકી રિયા હિરાણીનું મૃત્યુ રોકી શકાયું હોત એમ કોરોનરે પોતાની તપાસ બાદ જણાવ્યું હતું.
રિયાના માતા પિતા મુકેશભાઇ અને ગીતાબેને રિયાની પ્રેમાળ યાદમાં ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલ ચિલ્ડ્રન્સ ચેરિટી માટે ભંડોળ ઊભું કરવા જસ્ટ ગીવીંગ ફંડ રેઇઝીંગ પેજ (https://www.justgiving.com/fundraising/riyahirani) પર ઉદાર હાથે દાન કરવા અપીલ કરતા 679 લોકોએ કુલ £96,447 દાન કર્યું હતું. આ ઉપરાંત ચેરીટીને બીજા £23,000 ગીફ્ટ એઇડ તરીકે મળશે. આટલું જ નહિં રિયાના અંગોનું દાન પણ કરાયું હતું જેને કારણે ચાર લોકોને નવ જીવન મળશે.
રિયા હિરાણીને એન્ટિબાયોટિકનો કોર્સ કરાવવાની તેના માતાપિતાની વિનંતીઓ છતાં, ગયા વર્ષે હેરોની નોર્થવિક પાર્ક હોસ્પિટલમાંથી તેને કાગળના ટુકડા પર ઓવર-ધ-કાઉન્ટર મળતી પેઇનકિલર્સનો ઉપયોગ કરવાની સલાહ સાથે રજા આપવામાં આવી હતી.
ત્રણ દિવસના તાવ, લાલ ગળું અને બોલવાની મુશ્કેલીઓ સાથે 22 ડિસેમ્બર 2022ના રોજ તેણીને NHS 111ની સલાહને પગલે માતાપિતા દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ સિનિયર હાઉસ ઓફિસરે તેનું એસેસમેન્ટ કરી તેણી ‘ખૂબ બીમાર નથી’ અને વાઇરલ ટોન્સિલિટિસના નિદાન સાથે રજા આપી હતી. પણ બીજા દિવસે જ ગળામાં પરૂ થયા બાદ તેને કાર્ડિયાક અરેસ્ટમાં મગજને ગંભીર નુકસાન થયું હતું. જેનું પાંચ દિવસ પછી ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેણીની માતા ગીતા અને પિતા મુકેશભાઇને ત્યાં IVFની ગર્ભધારણ માટેની દસ વર્ષની લડાઈ સફળ થયા પછી દિકરીનો જન્મ થયો હતો.
રિયાના મૃત્યુ પછી, ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટના ડોકટરોએ પુષ્ટિ કરી હતી કે તેણીને ગ્રુપ A સ્ટ્રેપ્ટોકોકસથી ચેપ લાગ્યો હતો. જેના કારણે યુકેમાં લગભગ 30 બાળકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે.
લંડન નોર્થ વેસ્ટ યુનિવર્સિટી હેલ્થકેરના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અમે શ્રી અને શ્રીમતી હિરાણી અને તેમના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે કોરોનરના તારણોને સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ અને અમે રિયાના પરિવારની ફરી એકવાર માફી માંગીએ છીએ. અમે રિયાની સંભાળ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.’’
પરિવારે ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટના તબીબો અને સ્ટાફનો આભાર માન્યો હતો.