(ANI Photo)
યુવા અભિનેતા રિતેશ દેશમુખે તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે ‘રાજા શિવાજી’ ફિલ્મના નિર્માણની જાહેરાત કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી આ એક્શન ડ્રામા ફિલ્મમાં રિતેશે અભિનય ઉપરાંત દિગ્દર્શન પણ કરશે.
હિન્દી અને મરાઠી ભાષામાં બનનારી આ ફિલ્મ અંગે રિતેશે જણાવ્યું હતું કે, ‘શિવાજી મહારાજની જયંતિના વિશેષ પ્રસંગે હું ધરતીના મહાન સપૂતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના જીવન આધારિત ફિલ્મના નિર્માણની જાહેરાત કરું છું. તેમનો વારસો આપણી આગામી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. જય શિવરાય. છત્રપતિ શિવાજી મહારાજ એ માત્ર એક ઐતિહાસિક વ્યક્તિ નથી પરંતુ સાડા ત્રણ સદીથી લોકોના માનસ પર રાજ કરતા વીરતાના પ્રતીક છે, દરેકના હૃદયમાં રાજ કરે છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજીને લોકો ભગવાન તરીકે પૂજે છે.’
આ ફિલ્મનું નિર્માણ જિયો સ્ટુડિયોઝ અને દેશમુખના હોમ પ્રોડક્શન બેનર મુંબઈ ફિલ્મ કંપની દ્વારા કરાશે. રિતેશની પત્ની જેનેલિયા ડિસોઝા ફિલ્મની પ્રોડ્યુસર છે. ફિલ્મના નિર્માણ અંગે રિતેશે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં આપણી સંસ્કૃતિ અને ઈતિહાસની ઝલક જોવા મળશે. રિતેશે આ ફિલ્મનું પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું, જેની પર ફિલ્મનું નામ રાજા શિવાજી લખેલું જોઈ શકાય છે.
ફિલ્મમાં સંગીત અજય-અતુલે આપ્યું છે, જ્યારે સિનેમાટોગ્રાફીની જવાબદારી જાણીતા વિઝ્યુઅલ સ્ટોરી ટેલર સંતોષ સિવને સંભાળી છે, જેમની આ પ્રથમ મરાઠી ફિલ્મ છે. રાજા શિવાજી ફિલ્મના સાઉન્ડટ્રેકને કમ્પોઝ કરવાના અનુભવને વર્ણવતા અજય-અતુલની બેલડીએ જણાવ્યું હતું કે, સદીઓ પછી પણ આ ધરતી પર એક માત્ર એવો રાજા છે જેમની હાજરી આપણાં હૃદય, મગજ અને લોહીમાં અનુભવાય છે. શિવાજી મહારાજના ભવ્ય વારસાને લોકો સમક્ષ રજૂ કરવાની તક કોઈ પણ કલાકાર માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ ફિલ્મમાં સંગીત પીરસવાની તક મળવા બદલ અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ.

LEAVE A REPLY