અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના પ્રાથમિક તારણ અનુસાર ફાઇઝરનો કોવિડ બુસ્ટર અને ફલુનો ડોઝનો એક જ દિવસે લેવાથી સ્ટ્રોકનું જોખમ ઉદભવી શકે. 65 વર્ષથી ઉપરના વય જૂથના સિનિયરોમાં કોવિડ બુસ્ટર અને ફલુની રસી સાથે લેવાના જોખમ અને તેના સંભવિત કારણ અંગેના તારણોમાં એફડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને ડોઝ એક દિવસે લેવાથી આવું જોખમ થઈ શકે છે.
વ્હાઇટ હાઉસ દ્વારા આ શિયાળામાં વ્યાપક સઘન જાહેર આરોગ્ય ઝુંબેશ દરમિયાન લાખો અમેરિકનોએ કોવિડ બુસ્ટર અને ફલુના ડોઝ એક જ સમયે લીધા હતા. વ્હાઇટ હાઉસના કોવિડ રીસ્પોન્સ સંકલનકાર ડો. આશિષ ઝાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, ભગવાને આપણને બે હાથ આપ્યા છે, એક હાથ ફલુના ડોઝ અને બીજો હાથ કોવિડના બુસ્ટર ડોઝ માટે એફડીએ દ્વારા રસીના બંને ડોઝ સાથે લેવાના જોખમો અંગે વ્યાપક અભ્યાસ હાથ ધરાયેલ છે અને બંને ડોઝ આગામી શિયાળામાં પણ સાથે જ લેવા કે કેમ તેની ભલામણો કરાશે. એફડીએના પ્રાથમિક વિશ્લેષણના તારણો સાથે નહીં સંકળાયેલા ડો. વાલિદ ગેલાડે આ મામલે વધુ અભ્યાસ માટે જણાવ્યું હતું.