એશિયા કપ મુદ્દે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘણા સમયથી ભારે ખેંચતાણ અને વિવાદ ચાલી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઘણા સમય અગાઉ જ સ્પષ્ટ કહી દીધું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં નહીં રમે. એ પછી પીસીબીએ હાઈબ્રિડ મોડલ હેઠળ એશિયા કપ યોજવાની રજૂઆત કરી હતી. હવે તાજા સમાચારો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ આ હાઈબ્રિડ મોડલ સ્વિકારવા તૈયાર નથી અને તેના કારણે ખુદ એશિયા કપ ટુર્નામેન્ટ ઉપર જ જોખમ ઉભું થયાના અહેવાલો એક પાકિસ્તાની વેબસાઈટે આપ્યા છે.
પાકિસ્તાનની એક વેબસાઈટ ક્રિકેટ પાકિસ્તાનના એક રીપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, એશિયા કપ રમાડવા માટે પાકિસ્તાન જિદે ભરાયું છે અને તેના કારણે ટુર્નામેન્ટ રદ થઈ શકે છે. રીપોર્ટમાં મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડે એશિયા કપ રદ થાય તો એ પછી તેની જગ્યાએ એ જ તારીખોમાં એક અન્ય ટુર્નામેન્ટ રમાડવાની યોજના ઘડી છે. BCCI એશિયા કપની વિન્ડોમાં 5 દેશોની એક ટુર્નામેન્ટ યોજવા વિચારી રહ્યું છે.