જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અને આરતી કરી હતી. તેમને યાદગાર ભેટ તરીકે મંદિરનું એક મોડેલ પણ ઓફર કરવામાં આવ્યું હતું. યુકેના પીએમ અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ મંદિરમાં પ્રત્યેક મિનિટનો સંપૂર્ણ શ્રદ્ધા સાથે આનંદ માણ્યો હતો, એમ અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું હતું. સ્વામિનારાયણ સંતોએ યુકે પીએમને તિલક કરીને મંદિરમાં આવકાર્યા હતા.
બીજા દિવસે જી-20 સમીટના વન ફેમિલી નામના સેશનના પ્રારંભ પહેલા યુકેના વડાપ્રધાનનો કાફલો સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પહોંચ્યો હતો. તેમના આગમન પહેલા મંદિર અને તેની આસપાસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અગાઉ પીએમ સુનકે કહ્યું હતું કે તેઓ રવિવારે દિલ્હીમાં મંદિરની મુલાકાત લેશે. તેમણે પોતાને “ગૌરવાન્વિત હિંદુ” ગણાવીને જણાવ્યું હતું કે તેઓ પીએમ મોદી માટે ખૂબ જ આદર ધરાવે છે અને તેઓ G20ને એક પ્રચંડ સફળતા અપાવવામાં તેમનો સાથ આપવા ઉત્સુક છે.
તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના વ્યસ્ત કાર્યક્રમને કારણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શક્યાં ન હતા. જોકે તેમને આશા છે કે તેઓ આ વખતે મંદિરની મુલાકાતની લઈ શકશે. ધર્મના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે શ્રદ્ધાનું ખૂબ મહત્વ છે અને તે તણાવ દરમિયાન શક્તિ અને પ્રતિકારક્ષમતા આપે છે.
અગાઉ મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે અક્ષરધામ મંદિર રવિવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું સ્વાગત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમનું અને તેમની પત્નીનું મયુર દ્વાર નામના મુખ્ય દ્વાર પર સ્વાગત કરીશું અને તેમને મુખ્ય અક્ષરધામ મંદિરમાં લઈ જઈશું. જો તેઓ આરતી કરવા માંગતા હશે તો અમે તેની વ્યવસ્થા કરીશું. મંદિરમાં રાધા-કૃષ્ણ, સીતા રામ, લક્ષ્મી નારાયણ, પાર્વતી પરમેશ્વર અને ગણપતિ સહિતના દેવો બિરાજમાન છે.
Swaminarayan Akshardham @DelhiAkshardham