ઈંગ્લેન્ડમાં તા. 4 મેના રોજ થનારી સ્થાનિક ચૂંટણીઓમાં વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને અનિર્ણિત મતદારોના સ્વિંગથી થોડો ફાયદો થઈ શકે છે એમ ‘ધ ટાઇમ્સ’ અખબાર માટેના યુગોવના સર્વેમાં જાણવા મળ્યું છે. આ મતદાન દર્શાવે છે કે લગભગ ત્રીજા ભાગના મતદારો કાં તો જાણતા નથી કે તેઓ કેવી રીતે મતદાન કરશે અથવા કહે છે કે તેઓ બિલકુલ મતદાન કરશે નહીં.
શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ બનશે તે અંગેના જવાબમાં 21 ટકા લોકોએ સુનકને તથા 8 ટકા લોકોએ વિપક્ષી લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરને પસંદ કર્યા હતા. અનિર્ણીત મતદારો અર્થતંત્રને સંભાળવા માટે લેબર કરતા લગભગ ચાર ગણો વધુ વિશ્વાસ સુનક અને કન્ઝર્વેટિવ્સ પર કરે છે. ટોરી અને લેબર વ્યૂહરચનાકારો સ્વીકારે છે કે જ્યારે સામાન્ય ચૂંટણી આવશે ત્યારે આ જૂથ સુનક માટે સૌથી મોટી તક રજૂ કરશે.
પોતાના આંતરિક મતદાનના આધારે, કન્ઝર્વેટિવ પાર્ટીના વ્યૂહરચનાકારો માને છે કે તેમના મતદારોની ટકાવારી 30 થી 40 ટકાની વચ્ચે છે અને સામાન્ય ચૂંટણી નજીક આવશે ત્યારે તેઓ સુનકને સમર્થન આપશે. જો કે હાલને તબક્કે લેબર પાર્ટી ટોરીઝ પર એકંદરે 18-પોઇન્ટની લીડ ધરાવે છે. પોલિટિકો વેબસાઈટના પોલ ઓફ ધ પોલ એટલે કે તમામ મતદાનની સરેરાશ દર્શાવે છે કે પુરોગામી લિઝ ટ્રસના ટૂંકા શાસન બાદ સુનકે પક્ષની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.