કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ વડા પ્રધાનની રેસમાં શુક્રવારે મતદાન સમાપ્ત થવાના થોડા દિવસો બાકી છે, ત્યારે ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનાકની છાવણીએ મંગળવારે તા. 30ના રોજ હરીફ લિઝ ટ્રસ પર ચકાસણી ટાળવાનો આરોપ મૂક્યો હતો.
ફોરેન સેક્રેટરી ટ્રસ પ્રી-પોલ સર્વેક્ષણો અને બુકીઓના મત મુજબ રેસમાં સૌથી આગળ છે. ટ્રસને બીબીસીના પીઢ રાજકીય પત્રકાર નિક રોબિન્સન સાથેના વન ટૂ વન ઇન્ટરવ્યુમાં સખત પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ મંગળવારે સાંજે મુલાકાત પ્રસારિત થવાના કલાકો પહેલાં ઇન્ટરવ્યુમાંથી બહાર નીકળી ગયા હતા. તેમની ટીમે કહ્યું હતું કે તેઓ હવે વધુ સમય ફાળવી શકશે નહીં અને બીબીસી વનનો ઇન્ટરવ્યુ રદ કર્યો હતો.
રોબિન્સને પોતે ટ્વિટર પર કહ્યું હતું કે મુલાકાત રદ થવાથી તેઓ “નિરાશ અને હતાશ” છે. “મહત્વપૂર્ણ છે કે ઉમેદવારોને યોગ્ય ચકાસણીનો સામનો કરવો પડે જેથી [પક્ષ] સભ્યો અને જનતાને ખબર પડે કે તેઓ શું ઓફર કરી રહ્યા છે.”
ઋષિ સુનકના એક અનામી સાથીએ કહ્યું હતું કે “તે તપાસને અવગણવું તે સૂચવે છે કે કાં તો ટ્રસ પાસે બિલકુલ કોઈ યોજના નથી અથવા તેણીની યોજના આ શિયાળામાં આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તેનાથી ઘણી ઓછી છે.”