આગામી 2 મેના રોજ સમગ્ર ઈંગ્લેન્ડમાં આવી રહેલી લોકલ કાઉન્સિલ અને લંડનના મેયર સહિતની ચૂંટણીઓમાં તેમજ પાર્લામેન્ટની આગામી ચૂટણીઓમાં ટોરીઝને વ્યાપક નુકસાન થવાની ધારણા છે ત્યારે વડા પ્રધાન ઋષિ સુનક પરનું દબાણ વધુ તીવ્ર બની રહ્યું છે અને કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વ બદલવાની માંગ થઇ રહી છે. જેની સામે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પર સહિત અગ્રણી નેતાઓ પક્ષના નેતા ઋષિ સુનકના બચાવમાં મજબૂત રીતે બહાર આવ્યા છે અને રેન્કની અંદરની લડાઈને દૂર કરવાના પ્રયાસમાં જોડાયા છે.
ચૂંટણી પૂર્વેના સર્વેક્ષણોમાં વિરોધ પક્ષ લેબર પાર્ટીની તરફેણમાં સતત વધતી લીડ અને લેબર લીડર સર કીર સ્ટાર્મર 250 સીટોની અભૂતપૂર્વ બહુમતીથી જીતી શકે તેવા સર્વેના કારણે કેટલાક કન્ઝર્વેટિવ સાંસદોમાં નિરાશા વ્યાપી છે. મતદાનમાં કન્ઝર્વેટિવ્સ પક્ષ લેબર સામે 24 ટકા નબળો પડ્યો છે. ટોરી એમપીની સંખ્યા 150 જેટલી ઓછી થવાની તથા પોતાની બેઠકો ગુમાવવાના ભયથી ટોરી રેન્કમાં બળવાનો ગણગણાટ વધી રહ્યો છે. એવી અફવાઓ વ્યાપક બની છે કે ટોરી સાંસદોનું એક જૂથ સુનકના ભૂતપૂર્વ હરીફ અને હવે તેમની કેબિનેટમાં સેવા આપતા હાઉસ ઓફ કોમન્સના નેતા, પેની મોર્ડન્ટને પક્ષના નેતા બનાવવા આતુર છે.
જો સુનકને ખસેડવાની હલચલ સફળ થશે તો કન્ઝર્વેટિવ્સ 2010ની સામાન્ય ચૂંટણી પછી દેશ પર તેમના છઠ્ઠા વડા પ્રધાન લાદશે અને દેશમાં ચૂંટણી યોજ્યા વગર ત્રીજા વડા પ્રધાન લાદશે. જે તેની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવશે. સુનકે આગામી મે મહિનામાં પાર્લામેન્ટની વહેલી ચૂંટણીની સંભાવનાને નકારી કાઢી છે.
શું આગામી સામાન્ય ચૂંટણીમાં સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા હશે એવા પ્રશ્નના જવાબમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પરે ‘સ્કાય ન્યૂઝ’ને કહ્યું હતું કે “હા તેઓ નેતૃત્વ કરશે અને તેઓ ખૂબ જ સ્પષ્ટપણે જણાવશે કે અમે એક યોજના સાથેની સરકાર ચલાવીએ છીએ. તે યોજના કામ કરી રહી છે, અમે મોંઘવારી અને લોકોના કરમાં ઘટાડો કરી રહ્યા છીએ. અમે એકમાત્ર પક્ષ છીએ કે જે દેશની પ્રાથમિકતાઓ સાથે વ્યવહાર કરવાની યોજના ધરાવે છે. વડાપ્રધાન મારી જેમ જ પોતાનો સમય દેશ માટે જે યોગ્ય છે તે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સમજદારીભર્યા લાગે તેવા નિર્ણયો લેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભલે તે ટૂંકા ગાળામાં લોકપ્રિય ન હોય.”
સુનકના વિવેચક અને બોરિસ જૉન્સનના સાથીઓમાંના એક ભૂતપૂર્વ મિનિસ્ટર જેકબ રીસ-મોગે આ તબક્કે સુનકને બદલવાના વિચારને “ગાંડપણ” ગણાવી ફગાવી દીધો છે.
દેશમાં ચૂંટણી પહેલાં નવા નેતાને સ્થાપિત કરવાનું જાહેરમાં સમર્થન આપનાર અને સુનકના નેતૃત્વની ટીકા કરનાર ટોરી સાંસદ એન્ડ્રીયા જેંકિન્સે જણાવ્યું હતું કે “સેન્ટર-રાઇટ કન્ઝર્વેટિવ સાંસદો સુનકને બદલવા માટે ચોક્કસ નેતૃત્વના ઉમેદવાર માટે દબાણ કરી રહ્યા છે તેવા ઘણાં મીડિયા રિપોર્ટિંગ સાંભળવા રસપ્રદ છે. પણ મારા ઘણા સાથીદારો સાથે વાત કર્યા પછી, કોઈએ આવી બાબત માટે દબાણ કર્યું હોય તેવું સાંભળ્યું નથી.’’ તેમણે નકારી કાઢ્યું કે જમણેરી ટોરી સાંસદો મોર્ડન્ટ પાછળ એક થશે.
બીજી તરફ શેડો મિનિસ્ટર જોનાથન એશવર્થે જણાવ્યું હતું કે “આ હવે રાષ્ટ્રીય હિતમાં નથી. તે બેજવાબદાર છે. અમને આ દેશમાં સ્થિરતાની જરૂર છે. સુનક સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરીને દેશને સ્થિર કરી શકે છે. નહિંતર, મને ડર છે કે સામાન્ય ચૂંટણી પહેલા જ ટોરી નેતૃત્વની ચૂંટણી થઈ શકે છે.”
‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ના અહેવાલ અનુસાર ગત વિકેન્ડમાં ટોરી પાર્ટીની રાઇટ વિંગના અગ્રણીઓ અને 2022માં સુનક સામે ટોરી નેતૃત્વ માટે ચૂંટણી લડનાર પેની મોર્ડન્ટના અગ્રણી સમર્થકો વચ્ચે એક બેઠક યોજાઈ હોવાનું મનાય છે. જ્યાં પેનીના સમર્થકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે તેઓ તેણીને સમર્થન આપવા તૈયાર છે. તેમનું માનવું છે કે અત્યારે મોર્ડન્ટને પાર્ટીને થતા નુકસાનને રોકવા માટે સૌથી વધુ સંભવિત વ્યક્તિ તરીકે જોવામાં આવે છે.”
મોટાભાગના લોકોની પસંદ પેની મોર્ડન્ટ હાલમાં જ કન્ઝર્વેટિવહોમ વેબસાઈટના કેબિનેટ મિનિસ્ટર્સના લીગ ટેબલની ટોચ પર પહોંચ્યા છે. તેમની સાથે બિઝનેસ સેક્રેટરી કેમી બેડેનોક પણ ટોચના સ્થાને છે.
એક વરિષ્ઠ સાંસદે કહ્યું હતું કે “મને નથી લાગતું કે તે પેની તરફથી આવી હલચલ થતી હોય. પરંતુ મને લાગે છે કે તે એકદમ વિશ્વસનીય વિચાર છે.”
વેસ્ટમિન્સ્ટર ખાતે હોર્સ-ટ્રેડિંગમાં સામેલ અન્ય કેબિનેટ મંત્રી ડીફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સનું પણ નામ આવે છે જેમણે દસ વર્ષની કેબિનેટ સેવા આપી છે. વેસ્ટમિન્સ્ટરમાં સૌથી અનુભવી ગણાતા શેપ્સે માત્ર બે અઠવાડિયા પહેલા જ તેમની ઓફિસમાં સાંસદો માટે ડ્રિંક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ બજેટમાં સંરક્ષણ માટે વધુ નાણાની ફાળવણી નહિં કરાતા તેઓ રોષે ભરાઇને સાંસદો સમક્ષ તેમની પીડા જાહેર કરી ચૂક્યા છે.
એક વરિષ્ઠ સાંસદનો ગયા અઠવાડિયે શેપ્સના સમર્થકો દ્વારા સંપર્ક કરી પૂછાયું હતું કે શું તેઓ મોર્ડન્ટને ટકો આપે છે? તે પછી શા માટે તે શેપ્સ હોવા જોઈએ તેના કારણો આપ્યા હત અને તેમને સારા પ્રચારક અને મજબૂત હાથ ગણાવાયા હતા. શૅપ્સના લોકો એમ પણ કહી રહ્યા છે કે તેમને બોરિસ જૉન્સનનું સમર્થન હશે.
તેની સામે અન્ય લોકો માને છે કે સુનકને હટાવવાનો અને પાંચ વર્ષમાં પાંચમા કન્ઝર્વેટિવ નેતાને સ્થાપિત કરવાની કલ્પના જ વાહિયાત છે.
થેરેસા મેના ભૂતપૂર્વ ડેપ્યુટી ડેમિયન ગ્રીને બીબીસી રેડિયો 4ના ‘વેસ્ટમિન્સ્ટર અવર’ પ્રોગ્રામ પર બોલતા કહ્યું હતું કે “હું એટલું જ કહી શકું છું કે પેની મોર્ડન્ટ અથવા તેમના જેવા અન્ય કોઈ વિશે કોઈએ મારી સાથે વાત કરી નથી. એવો દાવો કરાય છે કે આવી ચર્ચાઓ થઈ રહી છે, પણ હું જાણું છું કે કશું થઈ રહ્યું નથી. મને લાગે છે કે અમારી પાસે આ સંસદ માટે પૂરતા વડા પ્રધાનો છે.”
સ્પ્રિંગ બજેટ પક્ષની તરફેણમાં જનતાના મત અંકે કરવવામાં નિષ્ફળ જતાં અને ટોરી રેન્કમાંથી હાઇ-પ્રોફાઇલ નેતાઓની વિદાયના કારણે પણ કન્ઝર્વેટિવ બેકબેન્ચર્સમાં અસંતોષ વધી રહ્યો છે.
સુનકે ગયા અઠવાડિયે 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડી સાથે ખાનગી મીટિંગ કરી હતી. તેઓ એકમાત્ર વ્યક્તિ છે જેઓ જાણે છે કે ટોરી સાંસદો દ્વારા નેતૃત્વની હરીફાઈની માંગણી કરતા કેટલા પત્રો સબમિટ કરવામાં આવ્યા છે. જો સંસદીય પક્ષના આ સભ્યોના સંખ્યા 53 થાય કે પક્ષની મેમ્બરશીપના 15 ટકા સુધી પહોંચે તો હરીફાઈ શરૂ થઇ શકે છે. 1922 કમિટીને એમપીના વધુ પત્રો મળે તેની ખાતરી કરવા માટે હવે અસંતુષ્ટ સાંસદો દ્વારા બિનસત્તાવાર વ્હીપની કામગીરી ચાલી રહી હોવાના અહેવાલો બહાર આવ્યા છે.
એવી શંકા કરાય છે કે એક અનામી કેબિનેટ મંત્રીએ ડાઉનિંગ સ્ટ્રીટની પકડનો અભાવ છે એવી નિરાશા વ્યક્ત કરતો પત્ર લખ્યા બાદ સુનક બ્રેડીને મળ્યા હતા.