સરકારના એથિકલ વોચડોગને ચાન્સેલર ઋષિ સુનક દ્વારા મિનીસ્ટરીયલ કોડનો ભંગ કરવામાં આવ્યો હતો કે નહીં તેની તપાસ કરવા જણાવવામાં આવ્યું છે. મિનીસ્ટરના હિતોના રજિસ્ટરમાં તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને તેના પરિવાર દ્વારા રાખવામાં આવેલા શેરનો મલ્ટી મિલિયન-પાઉન્ડનો પોર્ટફોલિયો જાહેર કરાયો નથી. ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ આઇટી મલ્ટિનેશનલ ઈન્ફોસિસમાં £430 મિલિયનનું શેરહોલ્ડિંગ ધરાવે છે.
લેબરના સાંસદ ટોનીયા એન્ટોનીઆઝિએ જાહેર જીવનના ધોરણો અંગેની સમિતિના અધ્યક્ષ લોર્ડ ઇવાન્સને પત્ર લખ્યો છે કે, તેઓ આ મુદ્દા અંગે “તાકીદની બાબત ગણી” જોવાની સલાહ આપે. આ અંગે ટ્રેઝરીના શેડો સેક્રેટરી જેમ્સ મુરે પણ વિરોધ કર્યો છે અને જણાવ્યું હતું કે આ ખુલાસાઓએ ચાન્સેલરના વર્તન વિશે “ગંભીર પ્રશ્નો” ઉભા કર્યા છે.
ગાર્ડિયન અખબારે શુક્રવારે તા. 27ના રોજ જાહેર કર્યું કે સુનકની પત્ની અક્ષતા મૂર્તિ આઈટી મલ્ટિનેશનલ ઈન્ફોસિસમાં £430 મિલિયનના શેરહોલ્ડિંગને કારણે મહારાણી કરતા વધુ ધનિક છે, જે પેઢીની સ્થાપના તેના પિતા દ્વારા કરવામાં આવી હતી અને તે યુકે સરકાર અને જાહેર સંસ્થાઓના કોન્ટ્રાક્ટર પણ છે. તેણી ઓછામાં ઓછી છ યુકે કંપનીઓમાં સીધુ શેરહોલ્ડિંગ પણ ધરાવે છે. આમાંથી કોઈપણ રોકાણોનો ઉલ્લેખ સત્તાવાર રજિસ્ટરમાં ચાન્સેલરની એન્ટ્રીમાં થયો નથી.
પ્રધાનો તેમની, અને તેમના નજીકના કુટુંબીઓ, જે તેમની સરકારમાંની ભૂમિકાને સંબંધિત છે અને તેમની જાહેર ફરજો સાથે સંબંધિત કોઈપણ આર્થિક હિતોની વિગતો પ્રકાશિત કરવા માટે બંધાયેલા છે.
મરેએ ઉમેર્યું હતું કે “મિનીસ્ટરીયલ કોડ સ્પષ્ટ છે કે મંત્રીઓએ તેમની સ્થિતિ અને તેમના ખાનગી હિતો તેમજ તેમના નજીકના પરિવારના સભ્યો વચ્ચેની નોંધમાં કોઈ વિરોધાભાસ ઉભો થવો ન જોઈએ અને તેની ખાતરી કરવી જ જોઇએ. જો ચાન્સેલર પાસે છુપાવવા માટે કંઈ નથી, તો તેમણે બ્રિટિશ નાગરિકો સમક્ષ શુદ્ધ સ્વરૂપે બહાર આવવું જોઈએ.”
સુનક અને મૂર્તિએ ટિપ્પણી માટેની વિનંતીઓનો સીધો જવાબ આપ્યો નથી. ટ્રેઝરીએ કહ્યું હતું કે સુનકે વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સને તેમની પત્નીના હિતોની સંપૂર્ણ જાણ કરી હતી અને આ યાદીમાં શું પ્રકાશિત કરવું તે અંગેનો નિર્ણય સલાહકારો દ્વારા લેવામાં આવ્યો હતો.