- રિતિકા સિદ્ધાર્થ અને શૈલેષ રામ દ્વારા
બ્રિટનના પ્રથમ એશિયન વડા પ્રધાન ઋષિ સુનક સતત બીજા વર્ષે 2023ના GG2 પાવર લિસ્ટમાં ટોચ પર રહ્યા છે. મંગળવારે 7 માર્ચના રોજ લંડનમાં યોજાયેલા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં તેમની આ માટે સરાહના કરવામાં આવી હતી. પોતાની આ પ્રગતિ અને વિકાસ માટે ઋષિ સુનકે તેમના પરિવારનો આભાર માન્યો હતો. શ્રી સુનકને મંગળવારની સાંજનું સર્વોચ્ચ સન્માન GG2 હેમર એવોર્ડ પણ એનાયત કરાયો હતો, જે ડીપાર્ટમેન્ટ ફોર એનર્જી સીક્યુરીટી અને નેટ ઝીરોના સ્ટેટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ MP દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ઑક્ટોબરમાં લિઝ ટ્રસના રાજીનામા બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન તરીકે આરૂઢ થયેલા સુનક દેશના 101 સૌથી પ્રભાવશાળી સાઉથ એશિયન લોકોના રેન્કિંગમાં ટોચ પર છે. લંડનના મેયર સાદિક ખાન આ યાદીમાં બીજા સ્થાને, જ્યારે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન ત્રીજા સ્થાને છે.
મંગળવારે સેન્ટ્રલ લંડનમાં વાર્ષિક GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં એક વીડિયો સંદેશમાં, વડા પ્રધાન ઋષિ સુનકે વધુ સારા જીવનની શોધમાં યુકે આવેલા તેમના દાદા-દાદી અને તે પેઢીના હજારો અન્ય વસાહતીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુનકે કહ્યું હતું કે “આજની રાતનો કાર્યક્રમ અને ‘GG2 પાવર લિસ્ટ 101’ એ બ્રિટિશ એશિયન સમુદાયે જીવનના તમામ ક્ષેત્રોમાં મેળવેલી જબરદસ્ત સફળતાનું પ્રતિબિંબ છે. ઘણા વિજેતાઓની વાર્તાઓ સાંભળીને આનંદ થાય છે જેમણે પોતાને સ્થાપિત કરવા અને તેમના પરિવારો સાથે નવું જીવન બનાવવા માટે સખત મહેનત કરી છે. આ એક સાર્વત્રિક વાર્તા છે, જે ખાસ કરીને મારા પોતાના દાદા-દાદી અને માતા-પિતા સાથે પડઘો પાડે છે. જેઓ આ દેશમાં માત્ર ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન જોવા માટે જ નહીં, પરંતુ એક સફળ જીવન બનાવવા માટે આવ્યા હતા. અહીંના ઘણા લોકોની જેમ, તેઓ પણ આ મહાન દેશમાં યોગદાન આપવા માટે સંકલ્પબદ્ધ હતા, જેમણે અમને બધાને શ્રેષ્ઠ બનવાની ઘણી અગણિત તકો આપી છે.’’
પોતાના બાળકો માટેની એશિયન માતાપિતાઓની મહત્વાકાંક્ષા વિશે મજાક કરતા સંકેત આપતા વડા પ્રધાન સુનકે કહ્યું હતું કે “મારા માતા-પિતા હંમેશા ઈચ્છતા હતા કે હું ડૉક્ટર બનું. દુર્ભાગ્યે, મેં તેમને નિરાશ કર્યા, પરંતુ હું આશા રાખું છું કે આ સન્માન મેળવીને મેં તેમને ગર્વનો અનુભવ કરાવ્યો છે. વડાપ્રધાન બનવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે.”
એશિયન મીડિયા ગ્રુપ (AMG) અને ગરવી ગુજરાતના પ્રકાશકો તથા ઇસ્ટર્ન આઇ દ્વારા દર વર્ષે યોજાતા આવા જ સમારોહમાં 2014માં તત્કાલિન વડા પ્રધાન ડેવિડ કેમરને આગાહી કરી હતી કે બ્રિટનનો પ્રથમ એશિયન પ્રાઇમ મિનિસ્ટર કન્ઝર્વેટિવ પક્ષનો હશે.
કેમરનની 2014ની ટિપ્પણીને યાદ કરતાં AMGના એક્ઝિક્યુટિવ એડિટર, શૈલેષ સોલંકીએ કહ્યું હતું કે “ઋષિ સુનકની સિદ્ધિને વધારે પડતી ગણાવી શકાય નહીં. તે એક નિર્વિવાદ સંકેત છે કે બ્રિટન બદલાઈ રહ્યું છે. વિવિધ રંગના લોકો હવે તેમના બાળકોને કહી શકે છે કે તમારી પૃષ્ઠભૂમિ અથવા વંશીયતાને ધ્યાનમાં લીધા વિના, તમે વડા પ્રધાન બની શકો છો અને તે શક્ય છે. તે સમયે આ થોડું અવાસ્તવિક લાગતું હતું, પરંતુ હવે તે શક્ય બન્યું છે, કદાચ કોઈએ વિચાર્યું હતું તેના કરતા વહેલું. તે અપાર ગૌરવનો સ્ત્રોત છે. તમારી રાજકીય માન્યતાઓ ગમે તે હોય, પ્રથમ પેઢીના પૂર્વ આફ્રિકન ભારતીય મૂળના વસાહતીઓનો પુત્ર – ભારતીય મૂળની વ્યક્તિ હવે આ જમીન પર સૌથી શક્તિશાળી સ્થિતિમાં છે. તેઓ તેજસ્વી છે, અને તે બતાવે છે કે આપણે સમાજ તરીકે કેટલા આગળ આવ્યા છીએ, પરંતુ બ્રિટન અને કન્ઝર્વેટિવ પાર્ટી બંનેએ બધા માટે વધુ સમાન અને સંતુલિત રમતના ક્ષેત્ર માટે પ્રયત્નો કરવા માટે અસંદિગ્ધ પગલાં લીધા છે. તેનો અર્થ એ નથી કે હજી કામ કરવાનું બાકી નથી અથવા બ્રિટનમાં જાતિવાદ નાબૂદ થઈ ગયો છે, પરંતુ તે દર્શાવે છે કે પ્રગતિ થઈ શકે છે અને થઈ છે, અને તે એક પ્રેરણાદાયી સિદ્ધિ છે.”
શ્રી સુનકે પોતાના સંદેશમાં કહ્યું હતું કે “મને ખૂબ જ દુઃખ છે કે હું તમારી સાથે રહી શકતો નથી. કારણ કે મને GG2 એવોર્ડ્સ ગમે છે. મને ભોજન પ્રિય છે, મને મૌજ, મસ્તી, ઉત્સાહ ગમે છે અને અલબત્ત, મને સેલ્ફી ગમે છે. પરંતુ હું તમામ વિજેતાઓને અભિનંદન આપવા માટે આ તક લેવા માંગુ છું. જ્યારે હું તમારા વડા પ્રધાન તરીકે ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પર પહેલીવાર ઊભો રહ્યો હતો, ત્યારે મેં બ્રિટિશ લોકો માટે દિવસ-રાત કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને હું એવી સરકારનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છું કે જેમાં તે જે કરે છે તેના હૃદયમાં પ્રામાણિકતા, પ્રોફેશનાલીઝમ અને જવાબદારી હોય છે.”
વડાપ્રધાન માટે આ બેવડી ઉજવણી હતી કેમ કે તેમણે સતત બીજા વર્ષે 101 સૌથી પ્રભાવશાળી બ્રિટિશ એશિયનોની GG2 પાવર લિસ્ટની નવીનતમ આવૃત્તિમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જેનું મંગળવારના સમારોહમાં અનાવરણ કરાયું હતું. હવે તેના 13મા વર્ષમાં, GG2 પાવર લિસ્ટ સમગ્ર યુકેમાં એશિયનોની સત્તા અને પ્રભાવની સ્થિતિ માટે ચોક્કસ માર્ગદર્શિકા બની રહી છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર સર પાર્થ દાસગુપ્તા અને કોર્ટ ઓફ અપીલ જજ સર રબિન્દર સિંઘ ટોચના પાંચ સ્થાનોમાં રહ્યાં હતા. આ યાદીમાં છથી દસમાં ક્રમે અભિનેતા રિઝ અહેમદ, હાઇ કોર્ટ જજ ડેમ બોબી ચીમા ગ્રબ; ચેનલના સીઈઓ લીના નાયર; ઉદ્યોગપતિ ગોપી હિન્દુજા અને પરિવાર; અને બ્રિજર્ટન અભિનેત્રી સિમોન એશ્લેએ સ્થાન મેળવ્યું છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (તા. 8) ની પૂર્વસંધ્યાએ જાહેર કરાયેલા GG2 પાવર લિસ્ટમાં 32 મહિલાઓનો સમાવેશ થાય છે. આ વર્ષની આવૃત્તિમાં 23 નવા લોકો પ્રવેશ્યા છે. એશ્લે ઉપરાંત, આ વર્ષે અન્ય નવી પ્રવેશેલી મહિલામાં મિનિસ્ટર ફોર ચિલ્ડ્રન, ફેમીલીઝ એન્ડ વેલબીઇંગના મિનિસ્ટર ક્લેર કોટિન્હો (17મા ક્રમે), ડીપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડના નવા બનાવેલા વિભાગના સ્ટેટ સેક્રેટરી નુસરત ગની (20મા ક્રમે); અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીમાં બેસતા એકેડેમિક ડૉ. સ્વાતિ ઢીંગરા (24મા ક્રમે) છે. યુકેના વ્યાજ દરો પર ચર્ચા કરતા ઢીંગરા, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) ખાતે અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર છે જેઓ મંગળવારે યોજાયેલા કાર્યક્રમમાં ડાયવર્સીટી પરની ચર્ચામાં પેનલના સભ્યોમાંના એક હતા.
ITV ન્યૂઝના ડેપ્યુટી પોલિટીકલ એડિટર અનુષ્કા અસ્થાના (61 મા ક્રમે); વોર્નર બ્રધર્સના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રિયા ડોગરા (63મા ક્રમે) અને વર્ડાગ્સના સ્થાપક, આયેશા વરડાગ (80 મા ક્રમે) પ્રભાવશાળી એશિયનોની યાદીમાં સ્થાન પામ્યા છે.
શ્રી શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે ‘’GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ અને GG2 પાવર લિસ્ટ બંનેએ બ્રિટનને તમામ સ્તરે ઇન્કલુસીવ, વૈવિધ્યસભર અને ન્યાયી સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ લોકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાતિવાદ, ભેદભાવ અને અસમાનતાનો સામનો કરવા માટે મહિલાઓ જે કામ કરી રહી છે તેના પર પ્રકાશ પાડવો પણ મહત્વપૂર્ણ હતો. GG2 પાવર લિસ્ટમાં ઘણી બધી તેજસ્વી સ્ત્રીઓ છે – પણ કદાચ એટલી બધી નથી જેટલી આપણને બધાને ગમશે. તે અમને યાદ અપાવવાનું કામ કરે છે કે તમામ મહિલાઓને, ખાસ કરીને વિવિધ પૃષ્ઠભૂમિની મહિલાઓને તેમના સપના અને મહત્વાકાંક્ષાઓ હાંસલ કરતા રોકવામાં આવતા અવરોધોને દૂર કરવા માટે આપણે વધુ કરવાની જરૂર છે.”
શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે “અમારા GG2 ડાયવર્સિટી એન્ડ લીડરશિપ એવોર્ડ્સ અને અમારા નવા ડાયવર્સિટી હબ પોર્ટલ સાથે, અમે કહેવા માંગીએ છીએ કે અમે તમારી પડખે છીએ અને વધુ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રયત્નશીલ છીએ.”
સંગીતકાર નીતિન સાહની (45મા ક્રમે); લિબરલ ડેમોક્રેટ્સ પીઅર અને ફિલાન્થ્રોપિસ્ટ લોર્ડ રૂમી વીરજી (47મા ક્રમે); અને કન્ઝર્વેટિવ પીઅર અને રવાન્ડા અને યુગાન્ડા માટેના વડા પ્રધાનના વેપાર દૂત, લોર્ડ ડૉલર પોપટે (74મા ક્રમે) GG2માં તેમના પ્રયત્નો માટે સ્થાન મેળવ્યું હતું.
GG2 લીડરશીપ અને ડાયવર્સિટી એવોર્ડ્સમાં 700થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરનાર અગ્રણીઓ અને કંપનીઓને વિવિધતા, સમાનતા અને સમાવેશને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયત્નો માટે પણ માન્યતા આપવામાં આવી હતી.
- આ કાર્યક્રમનું સંપૂર્ણ કવરેજ આવતા અઠવાડિયે ગરવી ગુજરાતમાં પ્રકાશિત કરવામાં આવશે
- GG2 પાવર લિસ્ટની કૉપિ બુક કરવા માટે, સૌરિન શાહનો 020 7928 1234 ઉપર સંપર્ક કરો અથવા [email protected] પર ઇમેઇલ કરો.