બ્રિટિશ વડાપ્રધાન રિશિસુનકે નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં વાહન ચલાવતા સમયનો એક વીડિયો બનાવવા માટે અને પોતાનો ‘સીટ બેલ્ટ’ હટાવવાને મુદ્દે દિલગીરી વ્યક્ત કરી છે. પીએમ સુનકે ‘ડાઉનિંગ સ્ટ્રીટ’ના પ્રવક્તાએ તાજેતરમાં કહ્યું કે વડાપ્રધાને ફક્ત થોડાક સમય માટે પોતાનો સીટ બેલ્ટ ખોલ્યો હતો અને એ સ્વીકાર કરે છે કે તેમનાથી ભૂલ થઈ છે. દેશમાં કારમાં સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ 100 પાઉન્ડ સુધીના દંડની જોગવાઈ છે.
જો આ કેસ કોર્ટમાં ચાલ્યો હોત તો દંડની રકમ વધીને 500 પાઉન્ડ થઈ જાય છે. મેડિકલ કારણોસર સીટ લગાવવામાં કેટલીકવાર છૂટછૂટો આપવામાં આવે છે. સુનકના પ્રવક્તાએ જણાવ્યું કે આ તેમને નિર્ણય લેવામાં એક મામૂલી ચૂક થઈ હતી. વડાપ્રધાને એક નાનકડો વીડિયો બનાવવા માટે પોતાની સીટથી બેલ્ટ હટાવ્યો હતો. એ પોતાની ભૂલને સ્વીકારે છે અને માફી માગવા ઈચ્છે છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, વડાપ્રધાનનું માનવું છે કે તમામે સીટ બેલ્ટ પહેરવો જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને દેશભરમાં 100થી વધુ યોજનાઓ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવવા માટે ‘લેવલિંગ અપ ફંડ’ની જાહેરાત કરવા આ વીડિયો બનાવ્યો હતો.